Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

વાવાઝોડાનો ભય ટળ્યો છતાં તંત્ર એલર્ટઃ આજે ધો.૧-બાલમંદિરો બંધ

'ઓખી' શિફટ થતા પવનની ગતિમાં ઘટાડોઃ કાલે પણ વાદળ છાયુ વાતાવરણઃ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કર્મચારીઓની રજા કેન્સલ : રોશની, ગાર્ડન, ફાયર બ્રિગેડ, એસ્ટેટ, વોટર વર્કસ, ડ્રેનેજ, વિજીલન્સ અને ટેકનિકલ શાખાઓના અધિકારીઓને જરૂરી સૂચના આપતા બંછાનિધિ પાની

જયુબિલી ગાર્ડન ખાતે ( ફોન નં. ૨૨૨૫૭૦૭ ) અને ફાયર ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ કાર્યરત્ત્। :હોર્ડિંગ્સ-વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક રાહત-બચાવ કાર્ય માટે ટીમ તૈયારઃ બાંધકામ સાઇટો ઉપરનાં મજુરોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર  કરવા બિલ્ડરોને સુચનાં

તાકિદની બેઠક :કોર્પોરેશન દ્વારા ઓખી વાવાઝોડાની સંભવિત અસરોને નજર સમક્ષ રાખી ગઈકાલથી જ આપાતકાલીન પરિસ્થિતિના સામના માટે આવશ્યક તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીશ્રીઓની તાકિદની એક બેઠક કોર્પોરેશનનાં સેન્ટ્રલ ઝોન ખાતે યોજવામાં આવી હતી. જેમાં તમામ વિભાગ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. ઉપરોકત તસ્વીરમાકમિશનર બંછાનિધિ પાની,નાયબ કમિશનર અરૂણ મહેશ બાબુ અને  ચેતન નંદાણી નજરે પડે છે.

રાજકોટ,તા.૫:  કોર્પોરેશન દ્વારા ઓખી વાવાઝોડાની સંભવિત અસરોને નજર સમક્ષ રાખી ગઈકાલથી જ આપાતકાલીન પરિસ્થિતિના સામના માટે આવશ્યક તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. આજે તા. ૫ ના રોજ પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર વાવાઝોડું થોડું અન્ય દિશામાં શિફટ થવા લાગતા રાજકોટ શહેરમાં પવનની ગતિ પણ ઓછી રહે તેવી પુરી શકયતા છે. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૨૫ કિ.મી. આસપાસ રહે તેવી શકયતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર રૂપે આવતીકાલે સાંજ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે.

ગઈકાલે મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીશ્રીઓની તાકિદની એક બેઠક મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે યોજવામાં આવી હતી. જેમાં કરવામાં આવેલા નિર્ણય મુજબ આજે તા.૫ના રોજ કોર્પોરેશનની તમામ આંગણવાડી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના ધો.૧ ના તમામ વર્ગો તેમજ શહેરના એલ.કે.જી. અને એચ.કે.જી. કક્ષાના બાલમંદિરો બંધ રાખવામાં આવ્યા હતાં. આવતીકાલે પણ આ શૈક્ષણિક સંકુલો બંધ રાખવા કે કેમ તેનો નિર્ણય આજ સાંજ સુધીની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

 દક્ષિણ ભારત તરફથી ગુજરાતના સાગર કાંઠે આવી રહેલા ઓખીનામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે તંત્રને એલર્ટ કરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રે હાથ ધરવાની થતી આગોતરી તૈયારી શરૂ કરાવી હતી.

વાવાઝોડાની સંભવિત અસરો સામે અસરકારક રાહત બચાવની કાર્યવાહી થઇ શકે તે માટે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કર્મચારીઓની રજા કેન્સલ કરવા અને હેડ કવાર્ટર નહીં છોડવાનો આદેશ કર્યો હતો.

વાવાઝોડાના તોફાની પવનને કારણે શહેરમાં જો કયાંય હોર્ડિંગ પડી જાય તો તેવા સંજોગોમાં તાકીદે જરૂરી પગલાં લઇ શકાય તે માટે તમામ એડ એજન્સીઓ સાથે એસ્ટેટ શાખા દ્વારા સંકલન કરવામાં આવ્યું છે.

વ્રુક્ષ પડવાની સ્થિતિમાં તાકીદે રાહત બચાવ કાર્ય હાથ ધરવા અને રસ્તો કલીયર કરવા ફાયર એન્ડ ઈમરજન્સી તથા ગાર્ડન શાખાને તેમના આવશ્યક સાધન સરંજામ સાથે ખડેપગે રહેવા સૂચના આપવામાં આવેલ છે.

શહેરમાં જયાં કયાંય પણ બાંધકામનું કામ ચાલુ છે ત્યાં કામ કરતા શ્રમિકો સામાન્યપણે પતરાના કે માત્ર ઈંટો ગોઠવીને ઉભા કરાયેલા કામચલાઉ રહેઠાણમાં આશરો લેતા હોય છે. આવા પરિવારોને સલામત અને સુરક્ષિત રાખવા બાંધકામ સાઈટ ખાતેના બિલ્ડરો અને આર્કિટેકટને સૂચના આપવામાં આવેલ છે.

આ ઉપરાંત શહેરમાં સ્ટ્રીટ લાઈટ સંબંધી પ્રશ્નો ઉકેલવા રોશની બ્રાન્ચના અધિકારી અને સ્ટાફને રાઉન્ડ ધ કલોક એલર્ટ રાખવામાં આવેલ છે.

     વાવાઝોડા દરમ્યાન પીવાના પાણીનિ વિતરણ વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ, ફાયર ઈમરજન્સી વિભાગની સેવાઓ, પાકર્સ ગાર્ડન શાખા, હેલ્થ ડીપાર્ટમેન્ટ વગેરેની રોજીંદી અને તાકિદની સેવાઓ વિનાવિક્ષેપે લોકોને મળી રહે તેવી વ્યવસ્થા સાથે એલર્ટ રહેવા અધિકારીને સુચના આપવામાં આવી છે.

ગઈકાલે મળેલી બેઠકમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની ઉપરાંત ત્રણેય નાયબ કમિશનરઓ અરૂણ મહેશ બાબુ, ડી.જે.જાડેજા અને  ચેતન નંદાણી, તમામ સિટી એન્જીનીયરઓ, ફાયર ્રૂ ઈમરજન્સી ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, સુરક્ષા વિભાગના અધિકારી, હેલ્થ ઓફિસર, આસી. કમિશનર, આસી. મેનેજરો, પર્યાવરણ ઈજનેર, ઈ.ડી.પી. વિભાગ, ઓફિસ સુપ્રી., વગેરે અધિકારીઓ હાજર રહયા હતાં. મહાનગરપાલિકા વાવાઝોડા દરમ્યાન પી.જી.વી.સી.એલ., તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ અન્ય આનુસંગિક એજન્સીઓ સાથે મળીને આ કુદરતિ આપતીનો સામનો કરવા સુસજ્જ થઇ ગયેલ છે. આ માટે સબંધિત અધિકારીને જરૂરી સંકલન કરવામાં આવેલ છે.

કોર્પોરેશન દ્વારા વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને એક કંટ્રોલ રૂમ જયુબિલી ગાર્ડન ખાતે ( ફોન નં. ૨૨૨૫૭૦૭ ) અને બીજો કંટ્રોલ રૂમ ફાયર ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટવગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ છે.(૨૮.૨)

 

(4:53 pm IST)