Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ભાજપ સામે કોંગ્રેસ જ જીતશે, મત મશીન સામે નક્કી નહિઃ મહેન્દ્ર જોષી

લહુમેં ભીગી હૂઇ આસ્તીન જીત ગઇ, ચુનાવ હાર ગયા, સબ મશીને જીત ગયી : ગુજરાતમાં પરિવર્તનનો પારદર્શક સંકેત છે પણ મશીનમાં ગરબડની દ્રઢ શંકાઃ ચૂંટણી પંચની પ્રતિષ્ઠા દાવ પર

રાજકોટઃ કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય મુખ્ય સંગઠક શ્રી મહેન્દ્ર જોશી પ્રભારી પ્રતાપનારાયણસિંહ મિશ્રા,  પ્રદેશ સેવાદળના મુખ્ય સંગઠક મંગલસિંહ સોલંકી વગેરેએ આજે અકિલા કાર્યાલયની મુલાકાત લઈ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સેવાદળના સ્થાનિક આગેવાનો સર્વશ્રી ભાવેશ ખાચરીયા, ફતેસિંહ ભાટી, રાજેશ પાટડીયા, જીતુભાઈ ઠાકર, કિશોરસિંહ જાડેજા, રાજેશ બદ્રકીયા, પ્રકાશ રાખોલીયા, કમલેશ શેઠ, રાજેશ રાખસીયા, બાબુભાઈ સાવલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૫ :. કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય મુખ્ય સંગઠક શ્રી મહેન્દ્ર જોશી (નવી દિલ્હી)એ ગુજરાતમાં કોંગ્રેસ તરફી પરિવર્તનની સ્પષ્ટ લહેર હોવાનો દાવો કરેલ પરંતુ ઈવીએમ (મત મશીન)ની વિશ્વસનીયતા સામે લોકોમાં પ્રશ્નોની હારમાળા હોવાનું જણાવી ચૂંટણી પંચની પ્રતિષ્ઠા દાવ પર હોવાનું ઉમેર્યુ છે. તેમણે રાહત ઈન્દોરીની લહુ મે ભીગી હુઈ આસ્તીન, ચુનાવ હાર ગયે સબ, મશીને જીત ગયી... નો ઉલ્લેખ કરી ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

શ્રી મહેન્દ્ર જોશીએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત પ્રસંગે જણાવેલ કે, હું ગુજરાતના લોકોને ભાજપથી ખૂબ કંટાળેલા જોઈ રહ્યો છું. પરિવર્તનનો સ્પષ્ટ સંકેત દેખાય છે. લોકો કોંગ્રેસને ખૂબ ઉત્સાહથી આવકારી રહ્યા છે. ભાજપ સામે મુકાબલો હોય તો કોંગ્રેસની જીત નિશ્ચિત છે પરંતુ ઈવીએમ સામે મુકાબલો હોય તો શું થાય તે નક્કી નહી ! ગુજરાતમાં ઈવીએમમાં ગરબડીની સંભાવના બાબતે લોકોમાં વ્યાપક પ્રમાણમાં શંકા છે. મત મશીનની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ભાજપ જે રીતે ૧૫૦ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યો છે અને જે પ્રકારનુ લોકમાનસ દેખાય રહ્યુ છે તે સૂચક છે. જો મત મશીનમાં ગરબડી ન હોય તો ભાજપ કોઈકાળે જીતી ન શકે તેવુ તારણ નીકળે છે. ચૂંટણી પંચે લોકોના મનમાં રહેલી શંકા દૂર થાય તે પ્રકારે કાર્યવાહી કરવી જોઈએ. કોંગીની લહેરનો નહી પરંતુ ઈવીએમની કહેરનો ડર છે.

શ્રી મહેન્દ્ર જોશીએ જણાવેલ કે, ભૂતકાળમાં ઈવીએમને કારણે જે શંકાસ્પદ પરિણામ આવ્યા છે તે ઘણુ કહી જાય છે. ભારતમાં ફરી બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે.

કોંગ્રેસ સેવાદળના પ્રદેશના મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીએ પણ ભૂતકાળના અમુક પરિણામના ઉદાહરણ સાથે  ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા હતા.(૨-૧૩)

મોદીની સભામાં પાંખી હાજરી હોય ત્યારે કેમેરામાં બતાવાતી નથી

રાજકોટ :.  કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક શ્રી મહેન્દ્ર જોશીએ જણાવેલ કે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભાઓ હોય ત્યાં પુરતી સંખ્યામાં હાજરી હોય તો મોટા ભાગની ચેનલોમાં જનમેદની વારંવાર બતાવવામાં આવે છે અને વડાપ્રધાન પણ તેનો ઉલ્લેખ કરે છે પરંતુ ઘણી સભાઓમાં અપેક્ષા કરતા સાવ ઓછી હોય છે. આવા સંજોગોમાં ટીવીમાં માત્ર પ્રવચન કરતા મોદીને જ બતાવવામાં આવે છે. પ્રેક્ષકગણ પર કેમેરો ફેરવવામાં આવતો નથી. આ ભાજપની ચાલ છે.(૨-૧૩)

 

(4:11 pm IST)