Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રામનાથપરા હુસેની ચોકમાં પાણીની રેલમછેલઃ ત્રણ કલાક ચાલુ રહ્યું

વાલ્વ બગડી જતાં પાણી ચાલુ રહ્યાનો બચાવ કરતા અધિકારીઓઃ કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદ બાદ રીપેરીંગ

રાજકોટ તા. ૫ : શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં પાણીની રેલમછેલ થતી હોવાની બેદરકારી ૩થી ૪ વખત બહાર આવી છે. એક-બે કિસ્સામાં કોન્ટ્રાકટરને લાખોનો દંડ પણ ફટકારાયો છે ત્યારે આજે વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. શહેરનાં વોર્ડ નં. ૭માં આવેલ રામનાથપરા હુસેની ચોક વિસ્તારમાં સતત ૩ કલાક પાણી ચાલુ ૃરહેતા રસ્તાઓ પર પાણીની નદી વહી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રામનાથપરા પોલીસ લાઇન હુસેન ચોક વિસ્તારમાં સવારે ૭.૩૦ વાગ્યે પાણી આવ્યા બાદ સતત ત્રણ કલાક સુધી ચાલુ રહ્યું હતું. લોકોના ટાંકાઓ છલકાઇ ગયા બાદ શેરીઓમાં પાણી વહેવા લાગ્યું હતું.

દરમિયાન આ બાબતે શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાને ફરિયાદ મળતા તેઓએ મ્યુ. કમિશ્નર તથા વોર્ડ ઇજનેરને આ બાબતે જાણ કરતા ઇજનેરોએ તાબડતોબ સ્થળ પર જઇને તપાસ કરતા પાણીનો વાલ્વ બગડી ગયાનું ખુલ્યુ઼ હતું. આથી તાબડતોબ વાલ્વ રીપેરીંગ શરૂ કર્યું હતું.

આ તકે ગજેન્દ્રસિંહ ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસમાં લક્ષ્મીવાડી, વિજય પ્લોટ, લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં પાણીની રેલમછેલના બનાવો બન્યા હતા અને તે વખતે ફરિયાદો કરાયા બાદ જ તંત્ર જાગ્યું હતું અને બેદરકારી સબબ કોન્ટ્રાકટરોને પેનલ્ટી પણ કરાયેલ. આમ, લોકો ફરિયાદ કરે ત્યારે જ તંત્ર હરકતમાં આવે છે અને કિંમતી પાણી વેડફાય જાય છે.

(4:10 pm IST)