Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

વરસાદ અને વાતાવરણમાં ટાઢોડાથી પ્રચારમાં પણ ટાઢોડુઃ ઉમેદવારો ચિંતિત

ચૂંટણીના દિવસે કુદરતી વાતાવરણ વિપરિત હોય તો મતદાન પર અસર

રાજકોટ, તા. ૫ :. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી કુદરતી વાતાવરણ બદલાતા ચૂંટણી પ્રચાર પર તેની અસર આવી છે. પહેલા તબક્કાના પ્રચારના માત્ર બે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. તેવા ટાણે જ વરસાદ અને ઠંડકનું વાતાવરણ જામતા ચૂંટણી પ્રચારમાં પણ ટાઢોડુ આવી ગયુ છે. કેટલાક સ્થળોએ જાહેર કાર્યક્રમો બંધ રાખવા પડયા છે. જો તા. ૯મીએ મતદાનના દિવસે કુદરતી વાતાવરણ પ્રતિકુળ હોય તો મતદાન પર પણ તેની અસર પડવાની સંભાવના છે.

પ્રથમ તબક્કાના મતદાન પૂર્વેનો પ્રચાર જોરશોરથી જામ્યો હતો ત્યાં અચાનક જ કુદરતી વાતાવરણમાં પલ્ટો આવતા ચૂંટણી પ્રચારમાં વિક્ષેપ પડયો છે. સખત ઠંડા પવન અને વરસાદને કારણે રેલી, સંમેલન, લોકસંપર્ક જેવા કાર્યક્રમો થઈ શકે તેવી સ્થિતિ નથી. ઉમેદવારો માટે એક એક કલાક મહત્વની છે. જાહેર પ્રચાર બંધ થતા પૂર્વેના એકદમ નજીકના દિવસોમાં જ કુદરતી વાતાવરણ બગડતા તેની સીધી અસર ચૂંટણી પ્રચાર પર પડી છે. ઉમેદવારો જાહેર પ્રચારમા નીકળી ન શકે અને નીકળે તો લોકોમાંથી પ્રતિસાદ ન મળે તેવી સ્થિતિ થઈ છે. વિપરીત સંજોગો વચ્ચે પ્રચાર કાર્ય જાળવી રાખવા રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને પણ કુદરતી વાતાવરણની સામે સાવચેત રહેવા જણાવાયુ છે. વાવાઝોડાની સંભાવના કેવો આકાર લ્યે છે? તે જોવાનુ રહ્યું.

(3:41 pm IST)