Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

જીપીપીમાંથી લડેલા પ્રવિણ આંબલીયા કોંગ્રેસમાં: મિતુલ દોંગાને ટેકો

રાજકોટ : તાજેતરમાં ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં કોંગ્રેસની જાહેરસભામાં ૨૦૧૨ની વિધાનસભામાં રાજકોટ-૬૮માંથી જીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા શ્રી પ્રવિણભાઈ આંબલીયાએ તેમના કાર્યકરોની ટીમ સાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. તેઓના કોંગ્રેસ પ્રવેશની સાથે જ રાજકોટ-૬૮માંથી વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર શ્રી મિતુલભાઈ દોંગાને જબરૂ સમર્થન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રવિણભાઈએ વીસ હજાર કરતા પણ વધુ મત મેળવ્યા હતા.  દરમિયાન શ્રી આંબલીયાને કોંગ્રેસમાં આવકારતા કોંગ્રેસના ઉમેદવાર શ્રી મિતુલભાઈ દોંગા અને તેમના ચૂંટણી ઈન્ચાર્જ શ્રી રાજુભાઈ ચાવડીયાએ જણાવ્યુ હતું કે માત્ર ઉદ્યોગપતિઓની બની રહેલી ભાજપ સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને સતત તિરસ્કૃત કર્યો છે. ૨૨ - ૨૨ વર્ષથી સતત લોકોને ગેરમાર્ગે દોરતી રાજય સરકારને જવાબ દેવાનો સમય હવે આવી ગયો છે.

ખૂબ લાંબા એક હથ્થુ શાસન સાથે ગુજરાતની પ્રજાએ ભાજપને સત્તા સોંપી હોવા છતાં તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ ગયો છે. સામાજીક વિકાસમાં ગુજરાત ખાડે ગયુ છે. ગુજરાત પર અબજો રૂપિયાનું વધેલુ દેણુ, મોંઘુ શિક્ષણ, પુરતી સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ, નવજાત શિશુઓનો વધેલો મૃત્યુ દર, માતાઓના મૃત્યુ દરમાં વધારો. કુપોષણ અને અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતીઓની ઓછી માથાદીઠ આવક આ વાતનું પ્રમાણ છે. હવે આવી સરકાર લોકો ચલાવવા માગતા નથી તેમ ઉમેરી મિતુલભાઈ દોંગાએ આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નિશ્ચિત વિજય માટેની અપીલ કરી હતી.

આ જાહેરસભામાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલ રાજયગુરૂ, યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમરીન્દર રાજા બ્રાર વગેરે ઉપસ્થિત હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)