Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ભર શિયાળે ચોમાસાનો માહોલ... રાજકોટ ઠંડા-ઠંડા... કૂલ-કૂલ... માવઠુ

શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ : ભેજવાળી ઠંડી : ૧૯.૫ ડિગ્રી : આજે બપોર બાદ ભાવનગર - અમરેલી - જૂનાગઢ - ઉના - વેરાવળ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ અસર જોવા મળશે : સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આજે વરસાદી માહોલ રહેશે : કાલે બપોર બાદ વાતાવરણ ચોખ્ખુ બનશે : રાજકોટમાં ટાઢોડુ અને ઝરમરીયા વરસાદથી જનજીવનને અસરઃ બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી

રાજકોટ, તા. ૫ : વાવાઝોડુ ''ઓખી'' નબળુ પડી આજે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પ્રવેશ કરશે. આ વાવાઝોડાની અસરથી સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા - હળવો વરસાદ વરસી રહ્યો છે. ખેતીના પાકને નુકશાન થઈ રહ્યુ છે. દરમિયાન આજે પણ આવું જ વાતાવરણ જોવા મળશે. બપોર બાદ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં બે થી ચાર ઈંચ સુધીના કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે.

વાવાઝોડુ ''ઓખી'' મુંબઈથી ૫૪૦ કિ. મી. અને સુરતથી ૭૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ નબળુ પડી ગયુ છે અને ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ઉત્તર - ઉત્તર - પૂર્વની દિશા તરફ આગળ વધી રહ્યુ છે. આજે રાત્રે ૧૨ વાગ્યાથી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થશે.

આ વાવાઝોડાની અસરથી આજે બપોર બાદ વરસાદની સંભાવના વધુ છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ઉના, વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત, ખંભાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ ગઈકાલથી સૂર્યનારાયણે દર્શન દીધા નથી. ઘેરાયેલા વાદળો વચ્ચે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. ઠંડા ઠંડા કૂલ કૂલ જેવો અનુભવ થઈ રહ્યો છે પહાડી પ્રદેશોમાં જેવું વાતાવરણ હોય તેવો માહોલ જોવા મળે છે. ગઈકાલે દિવસ દરમિયાન હળવા છાંટા સતત ચાલુ જ રહ્યા હતા. સાથોસાથ ઠંડા પવન પણ ફૂંકાતા હતા આજે પણ એવુ જ વાતાવરણ છે સવારથી છાંટા હળવો વરસાદ વરસી રહ્યો છે.

(3:28 pm IST)