Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

'આપ'ના ઉમેદવાર અજીત લોખીલના બેનરો સળગાવ્યાઃ ભાજપ - કોંગ્રેસની ગુંડાગીરીનો મતદાનથી જવાબ અપાશે

મોરબી રોડ અને ભાવનગર રોડ ઉપર બેનરો ફાડી તેને આગ લગાડવાનો પ્રયાસ

રાજકોટ, તા. ૫ : મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. તાજેતરમાં જ બેનર લગાડવાના મુદ્દે દિવ્યનીલ રાજયગુરૂ અને ભાજપના કાર્યકરો વચ્ચે મોટી ધમાલ થઈ હતી. દરમિયાન ગઈરાત્રીના રાજકોટ પૂર્વ વિધાનસભા- ૬૮ના ''આપ''ના ઉમેદવાર અજીત લોખીલના બેનરો ફાડી તેને આગ ચાંપી દેવાની ઘટના ગતરાત્રીના બની હોવાનું જણાવાયુ છે. મોરબી રોડ અને ભાવનગર રોડ ઉપર લગાડેલા બેનરોને ફાડી તેને સળગાવી દેવામાં આવ્યા હતા.

આ મામલે આપના ઉમેદવાર અજીત લોખીલે જણાવ્યુ હતું કે, વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મારા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાજકોટ પૂર્વ વિસ્તારમાં પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. ઠેર ઠેર પ્રજાનો આવકાર અને પ્રેમ જોવા મળી રહ્યો છે. ત્યારે હાર ભાળી ગયેલા ભાજપ અને કોંગ્રેસના ગુંડાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. ગઈ કાલે મોડી રાત્રે ભાજપ-કોંગ્રેસના ગુંડાઓ દ્વારા રાજકોટ પૂર્વ વિસ્તારમાં મોરબી રોડ ઉપર તથા ભાવનગર રોડ ઉપર એમ બે અલગ અલગ જગ્યાએ ઓફિસની આસપાસના બેનરોને ફાડી-તોડી તેને આગચંપી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલો બનાવ નથી જયાં ભાજપ-કોંગ્રેસના ગુંડાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હોય. રાજકોટમાં હાલમાં જ અનેક આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ સાથે ગઈ કાલે પારડી વલસાડ ખાતે પણ ભાજપ-કોંગ્રેસના લુખ્ખા તત્વો દ્વારા પાર્ટીના કાર્યકર્તા ઉપર ચાકુ થી હુમલો કરવામાં આવ્યો હતો. એક તરફ આમ આદમી પાર્ટી છે જે અહિંસા, પ્રજાના મુદ્દાઓ ,પ્રજાની તકલીફો પીડાઓની ઈમાનદાર રાજનીતિ લઇને પ્રચાર પ્રસાર કરી રહી છે અને એક તરફ ભાજપ-કોંગ્રેસના ગુંડાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ તમામ હરકતોનો જવાબ રાજકોટની સમજુ અને શાંતિપ્રિય પ્રજા તા. ૯ ડિસેમ્બરના મત આપીને આપશે. તસ્વીરમાં ''આપ''ના કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:27 pm IST)