Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

કોંગ્રેસની સભામાં દારૂ પી ધમાલ કરનાર જાદવ અલગોતરની ધરપકડ

ભરવાડ શખ્સે સ્ટેજની પાછળથી ઘૂસી માઇક્રોફોનના વાયરની પીન કાઢી ખુરશીઓ ઉછાળી'તીઃ પોલીસે બે અલગ-અલગ ગુન્હા નોંધી તપાસ આદરી : જાદવ ભરવાડને કોઇ પક્ષ સાથે લેવા-દેવા નથી પરંતુ 'ડીંગલ'ની ટેવવાળો

સ્ટેજ ઉપર પડેલા પથ્થર બાજુમાં પોલીસ મથકે પહોંચેલા કોંગી આગેવાનો તથા લોકો અને ઇન્સેટ તસ્વીરમાં ધમાલ મચાવનાર જાદવ ભરવાડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૫: આજીડેમ ચોકડી નજીક ભીમરાવનગર મફતીયાપરામાં રાત્રે યોજાયેલી કોંગ્રેસની સભામાં ભરવાડ શખ્સે દારૂપી સ્ટેજની પાછળથી ઘુસી ધમાલ મચાવી હતી આ બનાવમાં પોલીસે ભરવાડ શખ્સ વિરૂધ્ધ અલગ-અલગ બે ગુન્હાનોંધી ધરપકડ કરી હતી અને આ શખ્સ અગાઉ મારામારીના ગુન્હામાં પકડાઇ ચુકયો હોવાનું જાણવા મળ્યુ છે.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક ભીમરાવનગર મફતીયાપરામાં રાત્રે વિધાનસભા-૬૮ના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની હાજરીમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રવચન આપીને બેઠા હતાં અને કોંગ્રેસના આગેવાનો પ્રવચન આપી રહ્યા હતાં. ત્યારે સ્ટેજની પાછળની બાજુથી એક શખ્સ લથડીયા ખાતો ધસી આવ્યો હતો અને ધમાલ મચાવી ગાળાગાળી કરી ત્યાં પડેલા લાઉડ સ્પીકર, ખુરશીઓ સહિતમાં તોડફોડ શરૂ કરી હતી જેને લઇ કોંગ્રેસના કાર્યકરો અને સભામાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને તેણે સભામાં ફીટ કરેલ માઇક્રો ફોનની વાયરની પીન કાઢી નાખી સ્ટેજ ઉપર પથ્થરો ફેંકયા હતાં.

આ મામલે સભામાં દેકારો બોલતા ત્યાં હાજર આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલા તથા પી.એસ.આઇ. ડી.વી. ગઢવી, એ.એસ.આઇ. ચેતનભાઇ ચાવડા, મહિપાલસિંહ, જયેશભાઇ, જયદીપસિંહ તથા કનકસિંહ સહિતે તે શખ્સને પકડી લઇ નામ પૂછતા તે ભીમરાવનગરમાં રહેતો જાદવ દેસુરભાઇ અલગોતર (ઉ.વ.૩૧) (ભરવાડ) નામ આપ્યુ હતું. અને તે દારૂ પીધેલી હાલતમાં હોઇ તેથી તેને પકડી પોલીસ મથકે લઇ જવાયો હતો. આ બનાવના પગલે કોંગ્રેસના આગેવાનો તથા વિસ્તારના લોકો આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા.

આ બનાવમાં પોલીસ મથકના એએસઆઇ ચેતનભાઇ ચાવડાની ફરિયાદ પરથી જાદવ દેસુર અલગોતર વિરૂધ્ધ સભામાં  તોડફોડ અને ધમાલ મચાવી રૂ. ૧૦૦નું નુકશાન કર્યાની ફરીાયદ દાખલ કરી હતી અને દારૂ પી જાહેરમાં ધમાલ કર્યાનો ગુન્હો દાખલ કર્યો હતો. પકડાયેલા ભરવાડ શખ્સની પૂછપરછ કરતા તે કોઇ પક્ષ સાથે સંકળાયેલો ન હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ અગાઉ દારૂ પીવાના અને મારામારીના અનેક ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

(4:57 pm IST)