Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

કાલાવડ રોડ પર પાનની દુકાન પાસે પ્રદીપ અને જયેશ પર ૪ શખ્સોનો હુમલો

પાનની દુકાનેથી લીધેલી વસ્તુના પૈસા મામલે માથાકૂટ થઇ'તીઃ ચાર શખ્સો પોલીસ જેવા દેખાતા હોવાનો આક્ષેપ

રાજકોટ, તા. પ : કાલાવડ રોડ પર નીલદા ઢાબા પાસે આવેલી આશાપુરા પાન નામની દુકાન પાસે બે કૌટુંબીક ભાઇઓ ઉપર ચાર શખ્સોએ હુમલો કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ રેલનગર આર.એમ.સી. કવાર્ટરમાં રહેતો જયેશ પ્રવિણભાઇ કલવાણી (ઉ.વ.ર૪) ગઇકાલે પોતાની કાલાવડ રોડ પર નીલદા ઢાબા પાસે આવેલી આશાપુરા પાન નામની દુકાને હતો અને તેનો કૌટુંબીક ભાઇ પ્રદીપ ચુનીભાઇ કલવાણી (ઉ.વ.૩૬) (રહે. જામનગર રોડ પરસાણાનગર) દુકાને હતો. ત્યારે બે શખ્સો બાઇક પર આવ્યા હતાં અને ૧પ૦થી ર૦૦ રૂપિયાનો સામાન લીધો હતો અને દુકાનદાર જયેશે પૈસા માગતા બંને શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી પૈસા આપી જતા રહ્યા હતા.  બાદ રાત્રે એક સેન્ટ્રોકારમાં ચાર શખ્સો આવી બંને ભાઇઓ સાથે ઝઘડો કરી ધોકાવડે માર મારી ઇજા કરી હતી, જાણ થતા યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી, પરંતુ બંને વચ્ચે સમાધાન થઇ જતા ફરીયાદ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના બીછાને રહેલા જયેશ કલવાણીએ જણાવ્યું હતું કે પોતે દુકાને બેઠો હતો ત્યારે રાત્રે એક સેન્ટ્રોકાર આવી હતી તેમાંથી પોલીસ જેવા દેખાતા ચાર શખ્સોએ આવી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

(10:26 am IST)