Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

શનિ-રવિ શ્રી માણિભદ્ર દિવાલી બાઝાર

'શોપિંગ કરો ઓફલાઇન, સંબંધો રાખો ઓનલાઇન' સૂત્ર સાથે : રાષ્ટ્રીયશાળા ખાતે આયોજન : ગૃહઉદ્યોગ, હેન્ડીક્રાફટ, ઇમીટેશન જ્વેલરી, કપડા સહિતની આઇટમો વ્યાજબી ભાવે ઉપલબ્ધ બનશે : શાલીભદ્ર ભંડારમાં લોકો બીજા માટે કપડા, ઉપયોગી વસ્તુઓ વગેરે મુકી જઇ શકશે, જે જરૂરીયાતમંદોને વિતરણ કરાશે

રાજકોટ તા. ૫ : વર્તમાન સમયમાં જયારે નાના વેપારીઓ કોરોનાના કારણે આવી પડેલા સંકટમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે, ત્યારે જૈન બિઝનેસમેન એન્ડ વુમનના બિઝનેસ નેટવર્કિંગ અને વેચાણ - વૃદ્ઘિ દ્વારા આર્થિક વિકાસના અનોખા અભિગમ સાથે 'શ્રીમાણિભદ્ર દિવાલી બાઝાર'નું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે કે ગૃહ ઉદ્યોગ સ્વરૂપે વ્યવસાય કરતા જૈન સાધર્મિકોના ઉત્થાન માટે એક જ સ્થળે ઓછા નફે વધુ વેચાણ કરીને આર્થિક વિકાસ સાધવાના ઉદાહરણરૂપે આગામી તા. ૭, ૮ નવેમ્બર શનિ,રવિ, રોજ સવારે ૧૧ થી રાત્રે ૯ બે દિવસીય 'શ્રીમાણિભદ્ર દિવાલી બાઝાર'નું આયોજન રાષ્ટ્રીયશાળાના મધ્યસ્થખંડમાં કરવામાં આવ્યું છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અપાતી પ્રેરણા મુજબ સૌ કોઈ પોતાના હુન્નર, કલા અને વ્યવસાય વડે આર્થિક વૃદ્ઘિ કરી શકે તે માટે સોશ્યલ એન્ટરપ્રેનીયોરશીપના ભાગરૂપે સૌના ઉત્થાન અને સૌના વિકાસના ઉદેશ્ય સાથે યોજાયેલા આ એકઝીબીશનને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે. આ એકઝીબીશનમાં સરકારી ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.

'શોપિંગ કરો ઓફલાઇન, સંબંધો રાખો ઓનલાઇન' જેવા સૂત્ર સાથે યોજાયેલા આ એકઝીબીશનમાં સવારે ૧૧ થી રાત્રે નવ સુધી જાહેર જનતા કોઈ પણ જાતની પ્રવેશ ફી ચૂકવ્યા વિના લાભ લઈ શકશે અને એક જ સ્થળેથી+સ્વીટસ,નમકીન, લેડીઝવેર,જેન્ટસવેર, કીડ્ઝવેર, ફૂડ પ્રોડકટ્સ-ગૃહ ઉદ્યોગ, હેન્ડીક્રાફટ, ડેકોરેટિવ આઈટમ્સ, ગિફટ આર્ટીકલ, ઇમીટેશન જવેલરી, લાઈફ સ્ટાઇલ આઈટમ, બિઝનેસ આઈટમ,સર્વિસીઝ વગેરે વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તા સાથે મેળવી શકશે.

આ એકઝીબીશનમાં માત્ર વેચાણ જ નહીં પરંતુ સામાજિક સંવેદનાના ભાગરૂપે એક સ્ટોલ ગમતાના ગુલાલ સ્વરૂપે શાલીભદ્ર ભંડાર પણ રાખવામાં આવેલો છે. જેમાં જરૂરિયાતમંદ વ્યકિત પણ દિવાળીનો તહેવાર ઉજવી શકેતે માટે કોઈ પણ વ્યકિત પોતાના બિનઉપયોગી વ સ્ત્રો,ચીજ વસ્તુઓ વગેરે મૂકી જઈ શકશે. આયોજકો દ્વારા તેનું જરૂરીયાતમંદોને ત્યાં રૂબરૂ જઈ વિતરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આયોજકો દ્વારા આ પહેલા પણ ચાર વખત શ્રી માણિભદ્ર બિઝનેસ બાઝારનું આયોજન કરાયું હતું. સ્ટોલ બુકિંગ તથા વધુ માહિતી માટે આયોજકો મનીષ પારેખ ૯૯૭૪૦-૯૦૭૦૯ અને ગૌરવ દોશીનો ૮૮૨૦૦-૯૯૯૯૯ પર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(3:37 pm IST)