Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાજકોટ જીલ્લાના ૪ લાખ સહિત રાજયના ૧ કરોડ મતદારોના જી.જે.સિરીઝના 'ઓળખપત્ર કાર્ડ'નો પ્રશ્ન હજુ પણ અધ્ધરતાલ

મતદારોએ નવુ ઓળખપત્ર કાર્ડ માટે ફરજીયાત ફોર્મ નંબર ૮ ભરવુ પડેઃ પંચ સોફટ વેર અંગે વિચારી રહ્યું છે... : પ થી ૭ વર્ષથી આ સિરીઝના ઓળખ પત્ર કાર્ડના ડૂપ્લીકેટ નીકળતા નથીઃ ચૂંટણી પંચ નિર્ણય લેતુ નથી...

રાજકોટ તા. પ :.. રાજકોટ શહેર - જીલ્લામાં આગામી તા. ૯ થી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થશે, અને તે અંગે તંત્રે તૈયારીઓ પણ શરૂ કરી છે.

દરમિયાન રાજકોટ શહેર - જીલ્લાના ૪ લાખ સહિત રાજયના અંદાજે ૧ કરોડ જેટલા મતદારો કે જેમના એપી ૩ એટલે કે ઓળખપત્ર કાર્ડ જી.જે. સીરીઝના છે તેના ડુપ્લીકેટ નીકળતા નથી અને આ પ્રશ્ન પ થી ૭ વર્ષ જુનો છે. પરંતુ હજુ સુધી ચુંટણી પંચે નિર્ણય લીધો નથી. હવે ચુંટણી પંચ આ બાબતે ખાસ વિચારણા કરી રહયું છે. ખાસ સોફટવેર વીકસાવી આ પ્રશ્ન હલ કરવા અંગે ટુંકમાં જાહેરાત થાય તેવી શકયતા છે.

દરમિયાન આ બાબતે નાયબ જીલ્લા ચુંટણી અધિકારી શ્રી ધાધલે  પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં અંદાજે ૪ લાખ સહીત રાજયમાં લગભગ ૧ કરોડ જેવા મતદારો છે. કે જેમના ઓળખપત્ર કાર્ડ જી.જે. સીરીઝના છે. પરંતુ ડુપ્લીકેટ નીકળી શકતા નથી જો કે તેઓ મતદાન અચુક કરી શકે છે.

આવુ થવા પાછળ કારણ આપતા શ્રી ધાધલે ઉમેર્યુ હતું કે જે તે સમયે ચુંટણી પંચે લોકલ સીરીઝના કાર્ડ માન્ય નહી ગણી દેશભરમાં એક જ યુનીક નંબર ધરાવતા ઓળખપત્ર કાર્ડને માન્ય ગણ્યા છે. આ જી.જે. સીરીઝનો પ્રશ્ન પ થી ૭ વર્ષ જુનો છે.

તેમણે જણાવ્યું હતુ઼ કે ચુંટણી પંચ એવું વિચારી રહયું છે કે આખો સોફટવેર બનાવી એક સાથે આ પ્રશ્ન હલ કરવો અથવા તો વ્યકિતગત ધોરણે ફોર્મ નં. ૮ લોકો પાસે ભરાવવું.

તેમણે જણાવેલ કે જી.જે. સીરીઝના મતદારો જો પોતાનું નવુ ઓળખપત્ર કાર્ડ મેળવવા માંગતા હોય તો તેમણે ફોર્મ નંબર ૮ ભરવુ ફરજીયાત છે.

(3:33 pm IST)