Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કૃષ્ણનગરમાં રહેતાં ૭૫ વર્ષના કરસનભાઇ રાજપરાની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી

એકલા રહેતાં હતાં: સગા ફોન કરતાં હોઇ રિસીવ ન થતાં દિકરાએ રૂબરૂ જઇ તપાસ કરતાં મૃતદેહ મળ્યોઃ કુદરતી મોત થયાની શકયતાઃ પાક્કુ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

ઘટના સ્થળે ઘરમાં વૃધ્ધનો નિષ્પ્રાણ દેહ, ઘર તથા તપાસાર્થે પહોંચેલા એએસઆઇ ગીતાબેન, ઘનશ્યામસિંહ સહિતનો સ્ટાફ (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૫: ગોંડલ રોડ પી.ડી. માલવીયા કોલેજ પાછળ કૃષ્ણનગર-૧૨માં એકલા રહેતાં કરસનભાઇ કાનજીભાઇ રાજપરા (ઉ.વ.૭૫) નામના પટેલ વૃધ્ધની કોહવાયેલી, ફુલાયેલી લાશ તેમના ઘરમાંથી મળી આવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

પ્રાપ્ત માહિતી કૃષ્ણનગરમાં વૃધ્ધની લાશ તેમના ઘરમાં કોહવાયેલી હાલતમાં પડી હોવાની જાણ થતાં માલવીયાનગરના આસી. સબ ઇન્સ. ગીતાબેન પંડ્યા તથા ઘનશ્યામસિંહે ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ કરસનભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં એક પુત્ર હયાત નથી. કરસનભાઇ અહિ એકલા જ રહેતાં હતાં. બે દિવસથી ઘર બંધ હતું. આજે કોઇ સગા તેમને ફોન જોડતાં હોઇ ફોન રિસીવ ન થતાં પુત્રને જાણ કરતાં પુત્રએ ત્યાં પહોંચી તપાસ કરતાં ઘરમાંથી પિતાની શેટી પર પડેલી કોહવાયેલી ફુલાઇ ગયેલી લાશ મળી આવી હતી.

મૃતદેહ જોતાં આશરે બે દિવસ પહેલા  મોત થયાનું જણાય છે. હાર્ટએટેક આવતાં  મોત થયું કે અન્ય કંઇ બન્યું? તે અંગે તપાસ હાથ ધરાઇ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

(3:27 pm IST)