Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

એક કરોડના દાગીનાની લુંટના ગુન્હામાં પકડાયેલ આરોપીના વચગાળાના જામીન રદ

રાજકોટ તા. પઃ એક કરોડના સોનાના દાગીનાની લૂંટ અને હત્યાના ગુન્હાના આરોપીની વચગાળાની જામીન અરજીને અદાલતે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે. કે, ગત તારીખ ૧૪-૭-૧૮ ના રોજ દિગ્વીજય મેઇન રોડ ઉપર એક કરોડના સોનાના દાગીના લઇ જઇ રહેલ વસંતભાઇ ભોગીલાલ જીંજુવાડીયા ને આરોપી ભરત હરસુખભાઇ ઉર્ફે હસમુખલાલ લાઠીગરાએ ઇનોવા કારમાં અપહરણ કરી તેના મોઢા ઉપર ઝેરી રાસાયણ યુકત સ્પ્રે છાંટી તેને દોરીથી ગળાટૂંપો દઇ તેનું મોત નિપજાવી લાશને આજી નદીના પુલ પાસે કિશાન ગૌ શાળાના રસ્તે ફેંકી એક કરોડના સોનાના દાગીના ત્રણ કિલ્લોથી વધુના દાગીનાની લુંટ કરી હત્યા કરી નાખવાના ગુન્હામાં પકડાયેલ આરોપી ભરત હરસુખભાઇ ઉર્ફે હસમુખલાલ લાઠીગરાએ જેલમાંથી બિમારીની સારવાર લેવા માટે દિવસ-૩૦ ના વચગાળાના માનવતાના ધોરણે જામીન મળવા જામીન અરજી કરેલ.

સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો સખત વિરોધ કરેલ અને રજુઆત કરેલ કે આરોપી સામે ખુબજ ગંભીર ગુન્હાનો આરોપ છે અને લુંટ કરી હત્યા કરતા પણ આરોપીએ માનવતા દાખવેલ નથી તેથી આવા આરોપીને માનવતાના ધોરણે વચગાળાની જામીન અરજી રદ કરવાની રજુઆત કરેલ સરકાર પક્ષની રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી પ્રશાંત જૈન આરોપીની વચગાળાની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:55 pm IST)