Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આધાર પુરાવા વગર આધારકાર્ડ કાઢી આપતાં પ્રકાશ મારવીયા અને સાગર રાણપરાના રિમાન્ડની તજવીજ

બોગસ પુરાવા ઉભા કરવામાં આવ્યા હોઇ ઠગાઇ સાથે અલગ કલમનો ગાંધીગ્રામ પોલીસે અલગથી ઉમેરો કર્યો : અનેક નેપાળીઓને કોઇપણ જાતના આધાર પુરાવા વગર પૈસા મેળવી આધાર કાર્ડ કાઢી અપાયાની શકયતા : આધારકાર્ડનું ફોર્મ ભારતના નાગરિકો માટે જ હોય છતાં તેના આધારે બોગસ દસ્તાવેજ બનાવી નેપાળી યુવાનને કાર્ડ કાઢી આપ્યું : મ્યુ. કોર્પોરેશનના આધારકાર્ડ વિભાગના સુપરવાઇઝર અંકિત લખતરીયાએ નોંધાવી ફરિયાદ

રાજકોટ તા. ૫: કોઇપણ જાતના પુરાવા વગર કન્સલ્ટીંગ ફીના નામે નાણા ઉઘરાવી વિદેશીને આધાર કાર્ડ કાઢી આપવાના કોૈભાંડમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં જન સુવિધા નામની ઓફિસ ધરાવતાં શખ્સ અને તેના કર્મચારીને પકડી લઇ તપાસ શરૂ કરી છે. બોગસ દસ્તાવેજો ઉભા કરીને તેના આધારે આધાર કાર્ડ કાઢી આપતાં હોઇ અલગથી કલમનો ઉમેરો કરાયો છે.

ગાંધીગ્રામ પોલીસે હરિ ધવા રોડ પર વિક્રાંતીનગરમાં રહેતાં અને મ્યુ. કોર્પોરેશનમાં ચૂંટણી શાખામાં આધાર કાર્ડ વિભાગમાં સુપરવાઇઝર તરીકે ૧૧ મહિનાના કોન્ટ્રાકટ બેઝથી નોકરી કરતાં અંકિત હર્ષદભાઇ લખતરીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ શિવધામ સોસાયટી-૩ બ્લોક નં. ૧૨૯માં રહેતાં પ્રકાશ ધીરજલાલ મારવીયા (ઉ.વ.૩૦) તથા વર્ધમાન નગર પેલેસ રોડ મહાવીર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૨માં રહેતાં સાગર વિનયકાંત રાણપરા (ઉ.વ.૨૭) અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી આ બંનેની હાલ ધરપકડ કરી લીધી છે. આધારકાર્ડ કઢાવવાની સેવા નિઃશુલ્ક હોવા છતાં આ બંનેએ સાથે મળી રામબહાદુર નામના યુવાન પાસેથી કન્સ્લ્ટીંગ ફીના નામે રૂ. ૧૫૦૦ મેળવી લઇ વિશ્વાસઘાત કર્યાનો તેમજ બોગસ ડોકયુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાનો આરોપ મુકાયો છે. વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

અંકિત લખતરીયાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક ખાતે આવેલી જન સુવિધા કેન્દ્ર નામની ઓફિસમાં ૧૫૦૦ રૂપિયામાં એકપણ ઓળખના પુરાવા વિના વિદેશીઓના આધાર કાર્ડ કાઢવાના કોૈભાંડનો પર્દાફાશ થયાનું મને જાણવા મળતાં અમારી કચેરીના જવાબદાર અધિકારીએ મને ખરાઇ કરવાનું કહ્યું હતું.

આથી મેં જન સુવિધા કેન્દ્રની ઓફિસે જઇ તપાસ કરતાં ઓફિસના સંચાલક પ્રકાશ ધીરજલાલ મારવીયાએ આધાર કાર્ડ કઢાવવા આવનાર રામબહાદુર ટેકબહાદુર  સાઉડ (રહે. પટેલ ફાસ્ટફૂડ, કુવાડવા રોડ) પાસેથી કોઇપણ પ્રકારના આધાર પુરાવા મેળવ્યા વગર જ તેની પાસેથી રૂ. ૧૫૦૦ લઇ આધાર કાર્ડ મેળવનાર પુરાવાના વાંકે હેરાન ન થાય તે વા ઇરાદાથી ભારત સરકાર દ્વારા યુઆઇએડીઆઇની સાઇટ પર સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફોર્મ જાહેર કરેલ હોઇ જે ઓનલાઇન ડાઉનલોડ કરી તેમાં રામબહાદુરની વિગતો ભરી પોતાના માણસ સાગર વિનયકાંત રાણપરાને તેની વિગત ભરેલી સ્ટાન્ડર્ડ સર્ટીફિેકટ ફોર્મ આપી ગુનાહિત ઇરાદો પાર પાડવા કોર્પોરેટર રવજીભાઇ પાસે પોતાની ઓળખાણનો લાભ લઇ સહી સિક્કા કરાવી લીધા હતાં.

બાદમાં આ ફોર્મને ઓનલાઇન આધારકાર્ડની વિગભાં સબમીટ કરી સરકાર દ્વારા માન્ય ફેડરલ બેંક કાલાવડ રોડ રાજકોટ ખાતે સબમીટ કરી તારીખ, સમય મેળવી આપી અધાર કાર્ડ મેળવવા આવેલા રામબહાદુર પાસેથી પ્રકાશે કાર્ડ મેળવવાની ફી નિઃશુલ્ક હોવા છતાં રૂ. ૧૫૦૦ મેળવી લઇ છેતરપીંડી કર્યાનું સામે આવ્યું હોઇ જેથી મેં (અંકિત લખતરીયાએ) ફરિયાદ નોંધાવી હતી.

આધાર કાર્ડ કઢાવવા માટે જે તે અરજદારને જન્મ તારીખ અને રહેણાંકના પુરાવા આપવા પડે છે. આ ફરજીયાત હોય છે. પરંતુ પ્રકાશ મારવીયા અને સાગરે રામબહાદુર નેપાળી પાસેથી એકપણ પુરાવો મેળવ્યા વગર જ પૈસા લઇ ફોર્મમાં કોર્પોરેટરના સહી સિક્કા કરાવી જન્મ તારીખ અને રહેણાંકના પુરાવાને યોગ્ય ઠેરવી દેવામાં આવતો હતો. આ રીતે સેંકડો નેપાળીઓના આધાર કાર્ડ નીકળી ગયાની શકયતા પોલીસ ચકાસી રહી છે. ઝડપાયેલા બંનેના રિમાન્ડ બાદ વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, હીરાભાઇ રબારી, પીએસઆઇ આર.એસ. પટેલ, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, બ્રિજરાજસિંહ વાળા સહિતે આ કામગીરી કરી છે.

(2:52 pm IST)