Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ડો. મયુરસિંહ પરમારની નજરે કોરોના નામના શત્રુને હરાવવાના ચાર હથીયારઃ સતર્કતા, સહિષ્ણુતા, સંભાળ અને સમયસર સારવાર

પદ્મકુંવરબા હોસ્પિટલના ડોકટર કહે છે-અમે પ્રારંભે જંગલેશ્વરમાં કામગીરી કરી હતીઃ નિયમિત આહાર-વિહાર, વ્યાયામ, સૂર્ય નમસ્કાર, પુરતી ઉંઘ, ઉકાળા, ઓૈષધીઓનું સેવન પણ જરૂરી

રાજકોટ તા. ૫ : કોરોના વાઇરસ સામે આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો - આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહી, તેની સંભાળ રાખો..... અંદાજે ૭ મહિનાથી સંભળાતી આ કોલર-ટ્યુન આજે લોકોના દિલો-દિમાગમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી ચુકી છે. કોરોનારૂપી મહામારીમાંથી નાગરિકોને રક્ષિત કરવા કેન્દ્ર અને રાજય સરકાર મહિનાઓથી અનેક મોરચે ઝુંબેશ ચલાવી રહી છે. કોવિડ-૧૯ નામક અદૃશ્ય શત્રુને પરાજિત કરવા આપણાં આરોગ્યકર્મીઓ ચોવીસે કલાક નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી નિભાવી રહ્યાં છે. ત્યારે વાત છે એપ્રિલ માસથી સતત કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા ડો. મયુરસિંહ મહિપતસિંહ પરમારની.

કોરોના વાઇરસને માનવીનો અદૃશ્ય દુશ્મન ગણાવી કોરોનાકાળના પોતાનાં તબીબી અનુભવોનું વર્ણન કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મેડિકલ ક્ષેત્રમાં અનેક રોગનો તાગ અને ઇલાજ મેળવવો મુશ્કેલ હોય છે, કોવિડ-૧૯ વાઇરસ પણ એમાંનો એક છે. હાલ તો કોરોનાની પરિસ્થિતિમાં મહદઅંશે સુધાર આવ્યો છે પરંતુ આ સ્થિતિ જાળવી રાખવા માટે આપણે સૌએ સતર્કતા, જાતની કાળજી અને જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ અને અન્ય વ્યકિતથી નિશ્યિત અંતર રાખવું અતિ આવશ્યક છે. ખાસ કરીને દિવાળીનાં તહેવારમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો. મયુરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનાં પ્રારંભ કાળમાં અમે જંગલેશ્વર, સમરસ કોવિડ કેર સેન્ટર, કોર્પોરેશન ઓફિસ સહિતના સ્થળો પર જઇને કોરોનાના રેપિડ ટેસ્ટની કામગીરી કરી હતી અને હાલમાં પણ હોસ્પિટલ ખાતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટની કામગીરી શરૂ જ છે. કોરોનાનાં વહેલાસર નિદાનથી દર્દીની ઝડપથી સાજાં થવાની શકયતા વધી જાય છે. કોરોનાથી બચવા માટે નિયમિત આહાર-વિહાર, વ્યાયામ, સૂર્યનમસ્કાર, પૂરતી ઉંઘ અને સમયાંતરે આયુર્વેદિક ઉકાળા અને ઔષધિઓનું સેવન કરવું હિતાવહ છે.

(2:51 pm IST)