Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કોરોનાને નાથવા સતત ૬૨ દિવસથી સમરસમાં રહી સંચાલન કરતાં નોડલ ઓફિસર ડો. મેહુલ પરમાર

આ દિવસોમાં ૧૭૫ યુવા ડોકટરોને તાલિમબધ્ધ પણ કર્યાઃ ડો. મેહુલની કાર્યદક્ષતાને દર્દીના સ્વજને બિરદાવી

રાજકોટ તા. ૫ : 'ડો.મેહુલ, આજે એડમિટ થયેલા ૫ દર્દીઓને કયા વોર્ડમાં રાખવાના છે? આ દવાઓને કયાં ટ્રાન્સફર કરવાની છે ? ડોકટર્સની શિફટ ડ્યુટી ગોઠવાઈ ગઈ' આ અને આવા અઢળક પ્રશ્નો સમરસ હોસ્ટેલમાં કોરોનાને નાથવા માટે કાર્યરત આરોગ્યકર્મીઓ સમરસના નોડલ ઓફિસરને પૂછે છે અને પોતાની ત્વરિતનિર્ણય શકિત થકી આ તમામ નાના-મોટા પ્રશ્નોનાં હસતાં મુખે પ્રત્યુતર આપતા આરોગ્યકર્મી એટલે ગાયનેકોલોજિસ્ટ ડો. મેહુલ પરમાર... જે છેલ્લા ૬૧ દિવસથી કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોનામુકત કરવામાં દિવસ રાત રાઉન્ડ ધ કલોક કાર્ય કરી રહ્યા છે.

અંદાજે ૯ મહિનાથી છવાયેલા કોવિડ - ૧૯ ના ઘનઘોર અંધકાર વચ્ચે માનવસેવાનાં દીપનાં અજવાશને સાચવી સતત કાર્યરત કોરોના યોદ્ઘાઓ કોરોના સામે ઢાલ બનીને આપણી શારીરિક સુખાકારી માટે અવિરત લડાઈ લડી રહ્યા છે. હાલ દિવસ-રાત જોયા વિના ડોકટર્સ, નર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. પરંતુ સમરસ હોસ્ટેલમાં ડો.મેહુલ એક એવા વ્યકિત છે કે જેઓ નેપથ્યમાં રહીને ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.

પોતાની કાર્યપ્રણાલી વિશે જણાવતા ડો. મેહુલ પરમાર જણાવે છે કે, 'હાલ હું સમરસ હોસ્ટેલમાં નોડલ ઓફિસર તરીકે કાર્ય કરું છું, સમરસમાં કોઈ પણ કામગીરી માટે માણસોની વ્યવસ્થા કરવી, કયાં વોર્ડમાં કયાં સ્ટાફની ડ્યુટી ગોઠવવી, દરેક વોર્ડમાં સ્વચ્છતા અને સુઘડતા જળવાઇ રહે તે માટેની વ્યવસ્થા કરવી,ડોકટર્સ,નર્સ તેમજ દર્દીઓની તમામ પ્રકારની સમસ્યાનું નિવારણ કરવું તેમજ તમામ નિયમોના પાલન સાથે સમગ્ર હોસ્પિટલની કામગીરીનું સંચાલન જેવી તમામ બાબતો હું સાંભળું છું, અહીં રાઉન્ડ ધ કલોક કાર્યરત ફિઝિશિયન, રેસિડેન્ટ ડોકટર, એનેસ્થેટીસ્ટસ, ઇન્ટર્ન ડોકટર્સ, નર્સીંગ સ્ટાફ સહિતનો પૂરતો સ્ટાફ અને પૂરતા પ્રમાણમાં દવાઓ તથા ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ છે, આ ૬૨ દિવસના કાર્યકાળમાં અમારી પાસે લગભગ ૧૦૦ મેડિકલ ઓફિસર, ૩૫ રેસિડેન્ટ ડોકટર્સ અને ૫૦ ઇન્ટર્ન ડોકટર્સ આવ્યા છે અને તેમને આ મહામારીમાં કઈ રીતે કાર્ય કરવું તેની તાલીમ આપવાની જવાબદારી પણ મારા ફાળે આવી હતી, મને વિશ્વાસ છે કે તેઓ અહીંથી સારવારનું સચોટ જ્ઞાન શીખીને ગયા છે, અમે અહીં સતત દર્દીઓને કોરોનામુકત બનાવવા માટે પ્રયત્નશીલ છીએ અને કોરોનામુકત થયા બાદ સ્વસ્થ થતા હસતાં મુખે કોરોનામુકત દર્દીઓ તેમના સ્વગૃહે પરત ફરે છે તે અમારે માટે ગર્વની વાત છે.' એક દર્દીના સ્વજને ખાસ પ્રશસ્તિ પત્ર આપીને તેમની કાર્યદક્ષતાને બિરદાવી હતી.

આમ, સમરસ હોસ્ટેલમાં આવતાં પ્રત્યેક દર્દીને દર્દીનારાયણ માની તેને સ્વસ્થ કરવા માટે હકારાત્મકતાનો  સ્ત્રોત બનતા ડો.મેહુલ કોરોનાના આ કપરા કાળમાં માનવસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ બની ઉભર્યા છે.

(2:51 pm IST)