Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રસોડાનો મસાલો હળદર ઉત્તમ કુદરતી ઔષધ

કોટક સ્કુલની છાત્રાઓનું ઔષધીય કલેકશન : દાંતની બિમારી, ત્વચા નિખાર, ડાયાબિટીસમાં ઉપયોગી

હળદરએ મસાલા ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. કોઇ જગ્યાએ દ્યા પડ્યો હોય તો ત્યાં ઇન્ફેકશન ન લાગે તેના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.શરીરનુ કોઈપણ અંગ મચકોડાઈ ગયુ  હોય ત્યારે હળદરનો લેપ લગાવવામાં આવે છે. છાત્રાઓએ એકત્રિત કરેલી માહિતી પ્રમાણે ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી હળદરનો પ્રયોગ કરવામાં આવે છે.એટલે જ હિન્દુઓ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિમાં તેનો ઉપયોગ કરે છે.

  આયુર્વેદમાં હળદરને સૌથી અકસીર નેચર એન્ટિબાયોટિક માનવામાં આવે છે. એટલે તે સ્કીન, પેટ અને શરીરના ઘણા રોગોમાં સારૂ પરિણામ આપી શકે છે. હળદર ઉપરાંત તેના પાંદડા પણ ઉપયોગી છે.હળદરમાં કુર્કુમિન (Curcumin) નામનો સક્રીય પદાર્થ હોય છે. જે  હળદરને આંશિક માટી જેવો, આંશિક કડવો અને હલકી મરી જેવો તીખાશ ભરેલો સ્વાદ આપે છે. તેની સોડમ થોડી થોડી રાઇ જેવી હોય છે. આ કુર્કુમીન નામનો પદાર્થ ઘણાં રોગ જેવા કે કેન્સર, અલ્ઝાઈમર, મધુપ્રમેહ, એલર્જીઓ, આર્થીટીસ અને અન્ય હઠીલા રોગો પર અસરકારક જણાયો છે કકર્યુમિન એ તેજસ્વી પીળો રસાયણ છે.તે હળદરનો મુખ્ય કકર્યુમિનોઇડ (કકર્યુમા લોન્ગા) છે, જે આદુ પરિવારનો એક સભ્ય ઝિંગિબેરેસીએ છે. તે હર્બલ સપ્લિમેન્ટ, કોસ્મેટિકસ ઘટક, ફૂડ ફ્લેવરિંગ અને ફૂડ કલર તરીકે વેચાય છે.

સર્વગુણ સંપન્ન દૂધમાં કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જયારે હળદરમાં એન્ટી બાયોટિક ગુણ હોય છે.જો દૂધ તાસીરને અનુકૂળ હોય તો આ બન્નેને સાથે મિકસ કરીને પીવામાં આવે તો તેનો વધારે ફાયદો થાય છે. હળદર એ પ્રાકૃતિક વનસ્પતિય પદાર્થ હોવાથી તેના પર પેટન્ટ લગાડી શકાતી નથી.ભારતમાં સૌ પ્રથમ તેને રંગકામ માટે વાપરવામાં આવતી હતી અને ત્યાર બાદ તે ઔષધિ સ્વરૂપે વપરાઈ રહી છે.

હળદરના ફાયદા

(૧) લીવરને મજબૂત બનાવે છે. હળદર પીવાથી લિવર મજબૂત બને છે. તે લિવર સંબંધિત બીમારીઓથી શરીરને રક્ષણ પુરૂ પાડે છે. લસિકાતંત્રને સાફ કરે છે. (૨) બ્લડ સરકયુલેશન સ્વસ્થ રાખે છે. આયુર્વેદ પ્રમાણે હળદરનેરકત શુદ્ઘ કરનાર માનવામાં આવે છે. તે શરીરને બ્લડ સરકયુલેશનને મજબૂત બનાવે છે. તે રકતને પાતળું કરે છે અને લસિકાતંત્ર અને રકતવાહિનીઓની ગંદકીને સાફ કરવામાં ખૂબ લાભકારક છે. (૩) સ્કીન પ્રોબ્લેમમાં ઉપયોગી થઈ શકે છે તેનો લેપ  ચામડીને લગતા રોગોમાં ખુબ જ ઉપયોગી છે. (૪) કિમોચિકિત્સાના ખરાબ પ્રભાવને દૂર કરી શકે છે. એક સંશોધન પ્રમાણે હળદરમાં રહેલા તત્વો કેન્સરની કોશિકાઓથી થનારા નુકસાનને રોકી શકે છે અને કિમો ચિકિત્સાના ખરાબ પ્રભાવથી બચાવી શકે છે

ખાસ નોંધઃ- દૂધ તાસીરને અનુકૂળ છે કે નહીં, ઉપરાંત હાલમાં કઈ કઈ બિમારીથી પીડાવ છો તેની નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા પછી જ નીચેના પ્રયોગો શરૂ કરવા

 હળદર વાળા દૂધના પ્રયોગો

(૧) ચહેરો ચમકાવવામાં મદદરૂપ થાય છેઃ- રોજ હળદરવાળું દૂધ પીવાથી ચહેરો ચમકવા લાગશે. રૂ લઈને હળદરવાળા દૂધમાં પલાળીને ચહેરા પર લગાવો. જેથી ત્વચા ચમકીલી બનશે અને ચહેરા પર લાલી આવી જશે.

(૨) ઝેરી તત્વોને દૂર કરે છેઃ- આયુર્વેદમાં હળદરવાળા દૂધનો ઉપયોગ સારવાર માટે કરવામાં આવે છે. તે રકતમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરી શકે છે, લિવરને સાફ કરવામાં મદદરૂપ થાય છે. પેટ સાથે જોડાયેલી તકલીફોમાંથી રાહત મેળવવા માટે હળદર મેળવેલા દૂધનો ઉપયોગ કરવો જોઈએ.

(૩) હાડકાં મજબૂત બનાવી શકે છેઃ- રોજ હળદર વાળું દૂધ પીવાથી શરીરને જરૂરી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. તે ઓસ્ટિયોપોરેસિસના દરદીઓને રાહત આપે છે.

હર્ષદસિંહ વાળા માટે હળદર વાળુ દૂધ ચમત્કારિક (બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હરિયાસણ તા.ઉપલેટા,મો.૯૭૨૭૭ ૩૩૬૩૨)ના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૫ વર્ષથી શરદી અને ડસ્ટ એલર્જીથી પીડાતા હતા. કયારેક કયારેક તો એટલી બધી છીંકો આવતી ને નાક માંથી એટલું પાણી નીકળતુ કે બે બે રૂમાલ પલળી જતા હતા. છેલ્લા એક વર્ષથી હળદર વાળા દૂધનો પ્રયોગ શરૂ કરેલો તેમાં તેને ચમત્કારિક પરિણામ જોવા મળેલું ૨૫ વર્ષ જૂની સમસ્યા સંપૂર્ણ પણે દૂર થઈ ગઈ એટલું જ નહીં હવે કયારેક ઠંડુ પીણું પીવે છે તો પણ કોઈપણ પ્રકારની છીંક પણ આવતી નથી. કયારેક તેમને એમ લાગે કે શરદી થવાની તૈયારી છે. ત્યારે અડધી ચમચી જેટલી હળદર ફાકી ને માથે પાણી પી જતા. એનુ પરિણામ તરત જ સારું મળી રહેતુ. હળદર વાળા દૂધનો પ્રયોગ તેમની તાસીરને અનુકુળ આવી ગયો.

જો આપ આ પ્રકારની બીમારીથી પીડાતા હોય તો હળદર વાળું દૂધ આપની તસિરને અનુકૂળ આવી જાય.

હળદરનું ઔષધીય કલેકશન કરવા બદલ  પ્રિન્સિપાલ ડો. માલાબેન કુંડલિયા અને ટ્રસ્ટી શ્રી નવીન ભાઈ ઠક્કરે ગોંડલીયા બીક્ષા,મહારાજા પ્રંજલ અને લાંગાવદરા આસ્થાને અભિનંદન પાઠવ્યા છે.

નિષ્ણાંતોની ટીમ

(૧) વૈદ એલ્વિસ દેત્રોજા એમ.ડી. આયુર્વેદ ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાઘણીયા જીલ્લો અમરેલી, મો ૯૪૨૯૭ ૧૩૭૫૭

(૨) વૈદ કિરીટ પટેલ, બીએએમએસ જુનાગઢ, મો.૯૪૨૬૯ ૯૫૦૮૯

લેખક

 અશ્વિન ભુવા

મો.૮૩૨૦૫ ૫૬૦૧૨/

૯૪૨૮૮ ૮૯૫૬૦

(2:50 pm IST)