Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ફુટવેરનો મંદ થયેલો ધંધો ફરી ફાસ્ટ મોડમાં આવી રહ્યો છેઃઅમૃતભાઈ દુધાણી

આ જમાનામાં ગેરેન્ટી વગર ૧ લાખની સહાય કોણ આપે? પણ સરકારે અમને મદદ કરી છે : એકપણ પ્રકારની ફરીયાદ કે ધકકા ખવડાવ્યા વિના બેંકે અમારી લોન મંજુર કરી દીધી હતી

રાજકોટ, તા.૪:  પરિવાર સાથે શાંતિ પૂર્ણ જીવન જીવી તેમની પ્રાથમિક જરૂરીયાતો સંતોષવા ધંધાદારીઓ ચાલતા ધંધાને આગળ ધપાવવા માટે રાત-દિવસ મહેનત કરતાં હોય છે પણ કોરોનાની મહામારીએ તેમની મહેનત પર એકાએક પાણી ફેરવી દીધું હતું. લોકડાઉનના થોડા સમય પહેલા શરૂ કરેલા અને જામેલા ધંધાને અનલોક બાદ ફરી વેગવાન બનવવા માટે એડીચોટીના જોર અને હકારાત્મક અભિગમ સાથે વેપારીઓ ફરી મેદાનમાં ઉતર્યા. પરંતુ લોકડાઉનમાં આવક સ્ત્રોત બંધ થતાં ધંધાને આગળ ધપાવવા વેપારીઓને આર્થિકબળ અને આત્મબળના સહારાની ખાસ્સી એવી જરૂર હતી. વેપારીઓની આ ભાવનાને સમજી ફરી પગભર કરવા ટેકો બની છે પ્રજાવત્સલ રાજય સરકાર અને આત્મનિર્ભર યોજના.

 જંકશન પ્લોટમાં સાંઈ ચાખડી નામની ફુટવેરની દુકાન ચલાવતા અમૃતભાઈ દુધાણીના ધંધામાં આત્મનિર્ભર યોજનાએ નવા પ્રાણ ફુંકયા છે. આત્મનિર્ભર યોજનાના લાભને કારણે ધંધામાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે વાત કરતાં અમૃતભાઈએ કહ્યું હતું કે, 'જયારે કોઈએ અમારી સામે જોયું નથી ત્યારે સરકારે અમારી સામે જોયું છે. અનલોક બાદ ધંધાને ફરી બેઠો કરવો મુશ્કેલ હતો. પૈસા નહોતા, નવો માલ ખરીદવો હતો, આવકનો બીજો કોઈ સ્ત્રોત નહોતો કે તેનાથી ધંધામાં મુડી રોકી શકીએ પરંતુ આત્મનિર્ભર યોજનાએ અમારી બધી ચિંતા દૂર કરી દીધી છે.'

 એકપણ પ્રકારની ફરિયાદ કે ધક્કા ખવડાવ્યા વિના બેંકએ અમારી લોન પાસ કરી દીધી હતી. હાથમાં મુડી આવતા જ કેસ ડિસ્કાઉન્ટથી નવો માલ ખરીદ્યો. અમારા અને ધંધામાં નવો જુસ્સો આવ્યો. હાલ મંદ થયેલો ફુટવેરનો ધંધો ફરી ધીમે ધીમે ફાસ્ટ મોડમાં આવી રહ્યો છે. પ્રજાવત્સલ રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો ખુબ આભાર. આ જમાનામાં વગર ગેરેન્ટીએ કોણ રૂપિયા આપે? પણ સરકારે અમારી મદદ કરી છે તેમ અમૃતભાઈએ કહ્યું હતું.

 આમ આત્મનિર્ભર યોજના ધંધાદારીઓનું આત્મબળ વધારીને તેમના ધંધાને વેગવંતુ બનાવવા મહત્વની ભુમિકા ભજવી રહી છે.

(2:48 pm IST)