Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સ્માર્ટ સીટીમાં વ્હીલબરોનો અભાવ : વોર્ડ નં. ૧૩માં સફાઇ કામદારો રોડ પર કચરો નાંખી સળગાવે છે : રોષ

કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે તેઓની ગ્રાન્ટમાંથી ૧૦૦ વ્હીલબરો તાત્કાલિક ખરીદવા માંગ કરી

રાજકોટ તા. ૫ : સ્માર્ટ સીટીના બણગા વચ્ચે શહેરમાં સફાઇ માટે અત્યંત જરૂરી એવા વ્હીલબરોનો અભાવ હોવાનો આક્ષેપ વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરે કર્યો છે અને તાત્કાલિક ધોરણે તેઓએ પોતાની ગ્રાન્ટમાંથી ૧૦૦ વ્હીલબરો ખરીદ કરવા માંગ ઉઠાવી છે.  આ અંગે જાગૃતિબેને મ્યુ. કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, વોર્ડ નં. ૧૩માં સફાઇ કામદારો પાસે ત્રણે વોર્ડ ઓફિસ અ.બ.ક. માં વ્હીલબરો ઓછી હોવાના કારણે એક પ્લાસ્ટીક થેલીમાં સફાઇ કર્મી કેટલો કચરો લઇ જઇ શકે. આ બાબતે એક વર્ષથી વ્હીલબરોની ડીમાન્ડ વોર્ડ ઓફિસ દ્વારા મુકવામાં આવી છે. પણ સોલિડ વેસ્ટ શાખા દ્વારા ફાળવવામાં આવતા નથી એટલે સફાઇ કર્મચારી જે તે જગ્યાએ કચરો ભેગો કરીને સળગાવી દે છે અને જેના લીધે પ્રદૂષણ અને ગંદકી ફેલાય છે.  સ્માર્ટ સીટીની વાતુ વચ્ચે લોકો પરેશાની ભોગવી રહ્યા છે તો વોર્ડ નં. ૧૩ની વોર્ડ ઓફિસ અ - બ - ક માં તાત્કાલિક અમારી ગ્રાન્ટમાંથી ૧૦૦ વ્હીલબરો મંજુર કરવા આપને વિનંતી છે તો જ આ સમસ્યાનું નિવારણ આવશે. આજરોજ વોર્ડમાં ૨૫ થી ૩૦ જગ્યા ઉપર કચરો ત્યાં જ સળગાવવામાં આવેલ હોવાનું જોવા મળ્યું હતું તેમ પત્રના અંતે જાગૃતિબેને જણાવ્યું હતું.

(2:45 pm IST)