Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કોરોના હળવો પડતા સમરસનું ઓકસીજન કોવીડ સેન્ટર બંધ કરાયું

આ ઓકસીઝન સેન્ટરમાં હાલ એક પણ દર્દી નહિં: કુલ ૧૦૭પ દર્દીઓએ સારવાર લીધીઃ જરૂર પડયે ૧ દિવસમાં ચાલુ કરાશે.... : કલેકટરનો મહત્વનો નિર્ણયઃ સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલ દ્વારા કાર્યવાહીઃ કોવીડ કેર સેન્ટર હજુ ચાલુ રખાયું... : અહિંનો ૪પનો સ્ટાફ સીવીલમાં ટ્રાન્સફર કરી દેવાયો

સમરસ DCHC સેન્ટર આજથી બંધ કરાયું અને ડોકટર્સ તથા કોરોના વોરિયર્સનું ખાસ સન્માન કરાયું તે નજરે પડે છે.

રાજકોટ તા. પઃ રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને એક મહત્વનો નિર્ણય લઇ સમરસ હોસ્ટેલ ખાતે ઉભું કરાયેલ ઓકસીજન પાઇપ લાઇનવાળુ DCHC એટલે કે ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર કે જેમાં એક પણ દર્દી હવે નહિં રહેતાં આજથી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે, તેમની સુચના બાદ આ સેન્ટરનો ખાસ હવાલો સંભાળતા અને દર્દીઓમાં ભારે લોકપ્રિય બનેલા સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ તથા સ્ટાફે આ સેન્ટર આજે બંધ કરવાની કાર્યવાહી કરી હતી.

આ અંગે માહિતી આપતા સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે ''અકિલા''ને જણાવ્યું હતું કે, હવે ઓકસીજન પાઇપ લાઇન ધરાવતા DCHC સેન્ટરમાં એક પણ દર્દી રહ્યા નથી, આજ સુધીમાં આ સેન્ટરમાં ૧૦૭પ કોરોના દર્દીઓએ સારવાર લીધી છે, ત્યાં રહેવું કોવીડ સેન્ટર કે જેમાં હાલ પ૦ થી વધુ દર્દી છે તે હાલ ચાલુ રખાયું છે.

આ ઓકસીજન કોવીડ સેન્ટર બંધ કરાતા ત્યાં ફરજ ઉપર રહેલ ૪પના સ્ટાફને પરત સિવિલ હોસ્પીટલમાં મોકલી દેવાયા છે, આજે DCHC બંધ કરવા સમયે ડોકટર્સ તથા કોરોના વોરીયર્સનું ખાસ સન્માન કરાયું હતું, આ સેન્ટર ભલે બંધ કરાયું પરંતુ ત્યાં ઓકસીજન લાઇન તથા અન્ય સુવિધા ચાલુ રખાશે, અને જરૂર પડયે એક દિવસમાં આ સેન્ટર ચાલુ કરી દેવાશે.આજે બંધ કરવા સમયે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ, મામલતદાર જીનેશ મહેતા, કેપ્ટન જયદેવ જોશી, ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા, ડો. જયદીપ તથા અન્યો હાજર રહ્યા હતા.

(3:30 pm IST)