Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

લોહાણા મહાપરિષદના પ્રમુખપદેથી

પ્રવિણભાઈ કોટકે રાજીનામું આપ્યું... તો પછી ૧૦ નવેમ્બરે નવા પ્રમુખ તરીકે કોણ નકકી થશે?

વરણી સમિતિના તમામ ૨૭ સભ્યોને પ્રવિણભાઈ કોટકે પત્ર દ્વારા જાણ કરી દીધાની ચર્ચાઃ ૧૦ નવેમ્બર, મંગળવારના રોજ ઝુમ એપ દ્વારા તાબડતોબ વરણી સમિતિની મિટીંગ બોલાવી? : પોતાના મનગમતા- અંગતને બેસાડવા કંઈક રંધાઈ રહ્યું હોવાની ગંધ

રાજકોટ,તા.૫: છેલ્લાં ઘણાં સમયથી વિવાદમાં રહેલ લોહાણા જ્ઞાતિની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના પાંચ વર્ષની બીજી ટર્મના પ્રમુખપદેથી રાજીનામુ આપતો પત્ર ગઈકાલે પ્રવિણભાઈ કોટકે વરણી સમિતિના તમામ ૨૭ સભ્યોને મોકલી દીધાનું જાણવા મળી રહ્યું છે.

ચર્ચાતી વિગતો મુજબ પ્રવિણભાઈ કોટક દ્વારા રાજીનામાના પત્ર સાથે તા.૧૦ નવેમ્બર, મંગળવારના રોજ બપોરે ૩:૧૫ વાગ્યે ઝુમ એપ દ્વારા વરણી સમિતિની મિટીંગનો ઉલ્લેખ પ્રવિણભાઈ કોટકના રાજીનામાં સંદર્ભેના પત્રમાં થયેલો છે. સમાજશ્રેષ્ઠીઓમાં આ સંદર્ભે સૌથી મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે પ્રવિણભાઈ રાજીનામું આપે તે તેઓની અંગત- વ્યકિતગત બાબત હોઈ શકે, પરંતુ આટલી જલ્દી તાબડતોબ વરણી સમિતિની મિટીંગ બોલાવવાનું કારણ શું?

મહાપરિષદના પ્રમુખપદને લઈને તાજેતરના ભૂતકાળમાં જ પૂર્વ પ્રમુખ તથા ગુજરાતના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી યોગેશભાઈ લાખાણી સાથે થયેલ ભારે મનદુઃખને કારણે સમાજમાંથી પણ પ્રવિણભાઈ કોટક ઉપર રાજીનામું આપવા ભારે દબાણ આવી રહ્યું હતું તેવી કર્ણોપકર્ણ ચર્ચા ચાલી રહી છે.

આ બાબતને લઈને રાજીનામું આપીને પોતાના મનગમતા, અંગત તથા કહયાગરાને પ્રમુખપદે બેસાડીને પ્રવિણભાઈ કોટક 'બેક સીટ ડ્રાઈવિંગ' કરીને મહાપરિષદના 'સુપર પ્રમુખ' બનવા માંગતા હોવાની પણ ચર્ચા છે. કારણ કે જે વરણી સમિતિ અંદાજે દોઢ વર્ષ જેટલાં લાંબાગાળામાં પ્રમુખપદના એક ઉમેદવારને નકકી નથી કરી શકી તે માત્ર છ- સાત દિવસમાં જ્ઞાતિની વૈશ્વિક સંસ્થાના પ્રમુખને કેવી રીતે નકકી કરી શકશે? તેવો પ્રશ્ન જ્ઞાતિશ્રેષ્ઠીઓ પૂછી રહ્યા છે.

ઉપરાંત મહાપરિષદનું પ્રમુખપદ સૌરાષ્ટ્ર- ગુજરાતની બહાર લઈ જવા નકકી કંઈક રંધાઈ રહ્યાની ગંધ આવી રહ્યાનું કહી રહ્યા છે.

વરણી સમિતિની મિટીંગ પછી ડિસેમ્બર ૨૦૨૦માં મધ્યસ્થ મહાસમિતિની મિટીંગમાં લોહાણા મહાપરિષદના પ્રમુખના નામને બહાલી આપવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.

લોહાણ મહાપરિષદના પ્રમુખપદ માટેના ચર્ચાતા નામો

(૧) જીતેન્દ્રભાઈ ઠકકર- નાસિક

(૨) સતીષભાઈ વિઠ્ઠલાણી- મુંબઈ

(૩) નિતીનભાઈ રાયચુરા- રાજકોટ

(૪) હિમાંશુભાઈ ઠકકર- અમદાવાદ

(૫) જીતુભાઈ લાલ- જામનગર

(૬) હરીશભાઈ લાખાણી- રાજકોટ

(૭) વિનોદભાઈ સોમચંદભાઈ ઠકકર- અમદાવાદ

(૮) કૌશિકભાઈ નાનુભાઈ મજીઠીયા- અમદાવાદ

ઉપરોકત નામોમાંથી હાલમાં સતીષભાઈ વિઠ્ઠલાણી- મુંબઈનું નામ આગળ ચાલી રહ્યાનું જાણવા મળે છે. હરીશભાઈ લાખાણી- રાજકોટ દ્વારા તો થોડા સમય અગાઉ જ પોતે મહાપરિષદના પ્રમુખની રેસમાં ન હોવાનું સોશ્યલ મિડીયામાં જાહેર કરવામાં આવ્યું હતું. જીતુભાઈ લાલ- જામનગરનું નામ પણ જ્ઞાતિશ્રેષ્ઠીઓ આગળ કરી રહ્યાની ચર્ચા છે

(2:46 pm IST)