Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

હનુમાન મઢી તિરૂપતી સોસાયટીના વિક્કી અને તેના ભાઇ સંતોષને ઘૂસ્તા પાટાનો માર

ગાંધીગ્રામમાં વિક્કીને પોતાના સાસરિયે રોકાયેલી પત્નિ અને પુત્ર બાબતે વાતચીત કરવા બોલાવાયા બાદ સાળો લાલો સહિતનાએ મારકુટ કરી લીધી

રાજકોટ તા. ૫: રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતી સોસાયટી ૧-એમાં રહેતાં વિક્કી ત્રિભુવનભાઇ ગોસ્વામી (ઉ.વ.૨૪) અને તેના ભાઇ સંતોષ ત્રિભુવનભાઇ ગોસ્વામી (ઉ.વ.૨૬) પર રાત્રીના ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલા આરએમસી કવાર્ટરમાં વિક્કીના સાળા લાલો તથા બીજા બે જણાએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં બંને ભાઇઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. બંને ભાઇઓને હોસ્પિટલે ખસેડનારા શ્રેયશભાઇએ જણાવ્યું હતું કે વિક્કીના પત્નિ સીમાબેન માવતરે છે. દિકરાનો ૧૯મીએ જન્મદિવસ આવતો હોઇ વિક્કીને તેના સાસરિયાઓએ વાતચીત કરવા અને જે કંઇ મનદુઃખ હોય તે પુરૂ કરી લેવાનું કહેતાં ગત રાતે વિક્કી અને તેના ભાઇ સંતોષ ગોસ્વામી વિક્કીના સાસરીયે વાતચીત કરવા ગયા હતાં. ત્યારે ચડભડ થતાં સાળા લાલા સહિતનાએ મારકુટ કરી લીધી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

છોટુનગર ઝૂપડપટ્ટીમાં મા-દિકરીને ઢીકા-પાટુનો માર

છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં ભુરીબેન ધનજીભાઇ રાફુચા (દેવીપૂજક) (ઉ.વ.૫૫) અને તેની દિકરી આશા દશરથભાઇ (ઉ.૩૫)ને રાતે ઝૂપડા પાસે હતાં ત્યારે અમરતભાઇ, વિશાલ, રાહુલ સહિતે જુના ઝઘડાનો ખાર રાખી ઢીકાપાટુનો માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મા દિકરી બકાલુ વેંચે છે અને ભંગારનો ધંધો કરે છે.

કલેશને કારણે હિમાંશુએ પોતાના સાથળમાં છરી ઝીંકી

ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં અને હોટેલ ચલાવતાં હિમાંશુ સધાંશુસિંગ ચોૈહાણ (ઉ.૨૭)એ ઘરમાં થયેલા કલેશને કારણે પાણીના ટાંકા નજીક ૨૫ વારીયામાં પોતાના સાથળમાં છરી ઝીંકી ઇજા કરતાં મિત્રએ હોસ્પિટલમાં ખસેડતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. જો કે રાતે જ તેણે હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી.

રૈયામાં ભરતભાઇએ ધંધો ન ચાલતાં ઝેરી દવા પીધી

રૈયામાં રહેતાં ભરતભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામના  વાળંદ આધેડે રાતે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ રાતે જ સારું થઇ જતાં રજા અપાઇ હતી. તે કલરકામ કરી ગુજરાન ચલાવે છે. હાલમાં ધંધો ચાલતો ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું મિત્ર રાહુલભાઇએ જણાવ્યું હતું.

ભગવતીપરામાં પૂનમ પાટીલે ફિનાઇલ પીધું

ભગવતીપરા-૨૦માં રહેતી પૂનમબેન અમુલ પાટીલ (ઉ.૨૫) રાતે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. તેણીને સંતાનમાં એક પુત્ર છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)