Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સામો મળે ત્યારે કાતર કેમ મારે છે?... ભોમેશ્વરના સમીર જૂણેજાને નહેરૂનગરના પિતા-પુત્રોએ ઘુસ્તાવી છરી ઝીંકી

એ-ડિવીઝન પોલીસે ઇકબાલ શેખ અને તેના પુત્રો ઇમરાન, આરીફ, રફિક સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાં ભોમેશ્વરના ફ્રુટના વેપારી સમીર જૂણેજાને નહેરૂનગરના ઇકબાલ શેખ અને તેના ત્રણ પુત્રોએ ગાળો દઇ 'સામો મળે છે ત્યારે કાતર કેમ મારે છે?' કહી ઢીકા-પાટુનો માર મારતાં અને એક જણાએ પેટમાં છરી ઝીંકી દેતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસે આ મામલે ભોમેશ્વર ફાટક પાસે શેરી નં. ૧૩માં રહેતાં અને ફ્રુટનો વેપાર કરતાં સમીર મુનાફભાઇ જૂણેજા (સંધી) (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી રૈયા રોડ નહેરૂનગરમાં રહેતાં ઇમરાન ઇકબાલભાઇ શેખ, આરીફ ઇકબાલભાઇ શેખ, રફિક ઇકબાલભાઇ શેખ અને ઇકબાલભાઇ શેખ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

સમીર જૂણેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો મિત્ર અફઝલ તૈયબભાઇ દોઢીયા (રહે. જંગલેશ્વર) મારા એકટીવા પર પાન ફાકી ખાવા યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાં ગયા હતાં. મિત્ર સિગારેટ પીતો હતો અને હું બાજુમાં ઉભો હતો ત્યારે સામેની સાઇડના રસ્તે ઇમરાન, તેના ભાઇઓ આસીફ, રફિક અને પિતા ઇકબાલભાઇ ચારેય મારી પાસે આવ્યા હતાં.

ઇમરાને 'તું રસ્તામાં સામો મળે છે ત્યારે કેમ કાતર મારે છે?' કહી ગાળો દઇ નેફામાંથી છરી કાઢી મારી ઢોક પાસે રાખી દીધી હતી અને કાંઇ હવા કરી છે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી મારા મિત્રએ ઝઘડો નહિ કરવા બધાને સમજાવ્યા હતાં. એ દરમિયાન ઇકબાલભાઇએ મને પકડી રાખેલ અને તેના ત્રણેય દિકરાએ ઘુસ્તા પાટા માર્યા હતાં. તેમજ ઇમરાને છરીનો એક ઘા મારા પેટમાં મારી દીધો હતો. બીજો ઘા મારવા જતાં મેં છરી પકડી લેતાં હાથમાં ઇજા થઇ હતી. ગાળો દઇ મને વધુ માર માર્યો હતો. લોકો ભેગા થતાં બધા ભાગી ગયા હતાં.  એ પછી મિત્રએ મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

દોઢેક વર્ષ પહેલા મારે ઇમરાન સાથે ઝઘડો થયો હોઇ ત્યારથી ચાલતા મનદુઃખને લીધે હુમલો કરાયો હતો. એ-ડિવીઝનના હેડકોન્સ. આર. આર. વાઘેલાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:57 pm IST)