Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

મયાબા જાડેજાએ દોહિત્રીને બક્ષીસમાં આપેલો કિંમતી પ્લોટ રૂ. ૨૧૭૬:૩૬ના ખોટા કરારને આધારે પડાવી લેવાનું કાવત્રુ

હાલ રેલનગરમાં દિકરી સાથે રહેતાં વૃધ્ધા મયાબા ઉદયસિંહ ઝાલાના નણંદના દિકરા વૈશાલીનગરના સુરેન્દ્રસિંહ જાડેજા, તેના પત્નિ લીલાબા જાડેજા અને પુત્ર પ્રતિપાલસિંહ સહિતના વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: હાલ રેલનગરમાં દિકરી સાથે રહેતાં ક્ષત્રિય વૃધ્ધાએ રૈયા રોડ વૈશાલીનગરમાં આવેલો પોતાનો કિંમતી પ્લોટ પોતાની દિકરીની દિકરી (દોહિત્રી)ને વર્ષ ૨૦૧૩માં બક્ષીસ દસ્તાવેજથી ભેટમાં આપ્યો હોઇ આ પ્લોટ વૃધ્ધાના નણંદના દિકરા, તેના પત્નિ અને પુત્રએ કાવત્રુ રચી  વૃધ્ધા તથા તેમના પતિની ખોટી સહીઓ વાળા બોગસ દસ્તાવેજો ઉભા કરી આ પ્લોટ પોતાને ૧૯૬૪માં માત્ર રૂ. ૨૧૭૬:૩૬ પૈસામાં વેંચાયો હોવાના ખોટા કરાર પોલીસ સામે રજૂ કરી માથે જતાં વૃધ્ધાના દોહિત્રી અને તેણીના પતિ પ્લોટમાં નુકસાન કરતાં હોવાની પોલીસને અરજી કરતાં સમગ્ર કોૈભાંડ સામે આવ્યું હતું.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રેલનગર-૨ શેરી નં. ૧૨/૪ના ખુણે આશાપુરા ખાતે  દિકરી કુસુમબા જાડેજાની સાથે રહેતાં મયાબા ઉદયસિંહ ઝાલા (ઉ.વ.૯૫)ની ફરિયાદ પરથી સુરેન્દ્રસિંહ હનુભા જાડેજા, લીલાબા સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ રચી પ્લોટના બોગસ દસ્તાવેજ ઉભા કરી ખોટી સહિઓ કરી પ્લોટમાં કબ્જો કરી પચાવી પાડવાનો ગુનો નોંધ્યો છે.

મયાબા જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારી દિકરી કુસુમબા સાથે રહુ છું. સંતાનમાં બે દિકરા અને ચાર દિકરી છે. મોટા દિકરી મીનાબા, બાદ ઇન્દુબા, બાદ કુસુમબા અને એ પછી જીતેન્દ્રસિંહ, હરદેવસિંહ, જયશ્રીબા છે. બે દિકરા રેલ્વેમાં નોકરી કરે છે. દિકરી કુસુમબા લગ્ન પછી છ માસ માવતરે રહી પરત આવી ગયેલ. તે સમયે તેણી ગર્ભવતી હતાં. તેની દિકરી સોનલબા ઇન્દ્રજીતસિંહ રાણા છે. મારા પતિ ૨૦૧૬માં ગુજરી ગયા છે.

મારી માલિકીની જમીન-પલોટ વૈશાલીનગર-૨માં પ્લોટ નં. ૪૯ પૈકી જમીન ચો.મી.આ.૧૬૮-૦૦ છે. જે મેં રજી. વેંચાણ દસ્તાવેજ ૧ નંબરની બૂકના વોલ્યુમથી ૧૧/૬/૧૯૬૩માંભગવાનજીભાઇ નથવાણી પાસેથી ખરીદી હતી. એ પછી આ મિલ્કત મારી દિકરીની દિકરી (દોહિત્રી) સોનલબા રાણાને રજી. બક્ષીસ દસ્તાવેજથી મેં બક્ષીસમાં આપી હતી. એ વખતે જ પ્લોટનો કબ્જો મેં દોહિત્રીને સોંપી દીધો હતો.ત્યારથી તે સ્વતંત્ર માલિક અને ભોગવટેદાર હતાં.

તાજેતરમાં ૧૫/૧૦/૨૦ના બપોરે હું  તથા મારા દિકરી કુસુમબા, તેની દિકરી (મારી દોહિત્રી) સોનલબા, જમાઇ ઇન્દ્રજીતસિંહ રાણા એમ બધા ઘરે હતાં ત્યારે પોલીસ ઘરે આવી હતી અને અમારા વૈશાલીનગરના પ્લોટ બાબતે પુછતાછ કરતાં મેં આ મિલ્કત મારી દોહિત્રીને ૭/૧/૧૩થી બક્ષીસમાં આપી દીધાનું કહ્યું હતું.  આથી પોલીસે કહ્યું હતું કે આ પ્લોટ તો ત્યાં પડોશમાં રહેતાં સુરેન્દ્રસિંહ જાડેજા અને તેના પરિવારજનો પોતાનો હોવાનું જણાવે  છે. સુરેન્દ્રસિંહ જાડેજા મારા નણંદ મારા નામેરી એવા મયાબા હનુભા જાડેજાના દિકરા (ભાણેજ) થાય છે.

સુરેન્દ્રસિંહે મારા દોહિત્રી સોનલબા અને તેના પતિ સહિતે પ્લોટમાં નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ કરી હોવાનું પોલીસે કહ્યું હતું. એ પછી પોલીસે અમને એક કરાર (સાટાખત)ની નકલ બતાવી હતી. જેમાં સોંગદનામામાં અમુક શબ્દો અવાચ્ય હતાં. લખાણ ઉપર કોઇ પ્રવાહી પડ્યું હોઇ ભુંસાઇ ગયું હતું. એક લખાણ એવું હતું કે આ પ્લોટનો સોદો મેં, મારા પતિએ સુરેન્દ્રસિંહ જાડેજાના પિતાજી હનુભા જાડેજાને કરી આપ્યો છે. અને રૂ. ૨૧૨૭/૩૬ રોકડા મળ્યાનું કરારમાં લખેલું હતું.

હકિકે પોલીસે બતાવેલા આ કાગળો જોતાં તેમાં મારી કોઇ સહિ કરેલી નહોતી. તેમજ મારા પતિની સહી પણ નહોતી. કોઇ ત્રાહીત વ્યકિતએ મારી અને મારા પતિની ખોટી સહીઓ કર્યાનું સ્પષ્ટ દેખાતુ હતું. વળી મેં સોદા પેટે કોઇ રકમ પણ સ્વીકારી નથી. સોગંદનામામાં મારા નામનું લખાણ હતું. મારા નણંદના દિકરા ભાણેજ સુરેન્દ્રસિંહ હનુભા જાડેજા, તેના પત્નિ લીલાબા (મારા ભાણેજ વહુ), તેના દિકરા પ્રતિપાલસિંહ તથા બીજાએ સાથે મળી કાવત્રુ રચી મારી દોહિત્રી સોનલબાને મેં રજી. બક્ષીસ દસ્તાવેજથી આપેલો પ્લોટ ઓળવી જવા ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે. આ દસ્તાવેજો ૧૯૬૪ના વર્ષના ખોટી રીતે ઉભા કરી કિંમતી પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો કરી લેવા કોૈભાંડ આચર્યુ છે. જેથી મેં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં મયાબા ઝાલાએ ફરિયાદમાં જણાવતાં પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં એએસઆઇ પી. એન. પરમારે ગુનો નોંધ્યો છે. પીએસઆઇ એચ. વી. સોમૈયા અને સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:55 pm IST)