Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

પડધરીના ઢોકળીયામાં પૈસાની લેતીદેતીમાં કુટુંબીઓ વચ્‍ચે મારામારીઃ પાંચને ઇજા

રામજીભાઇ મુછળીયા, પત્‍નિ કંચનબેન અને સામા પક્ષે હીના, દિવ્‍યા અને રામજીને ઇજા

રાજકોટ તા. ૫: પડધરીના ઢોકળીયા ગામે રહેતાં વણકર પરિવારના લોકો વચ્‍ચે પૈસાની લેતીદેતી મામલે મારામારી થતા અને એક બીજા પર લાકડી, બ્‍લેડથી હુમલો કરતાં પાંચને ઇજા થઇ હતી.

ઢોકળીયા રહેતાં અને પશુપાલન કરતાં રામજીભાઇ જેઠાભાઇ મુછળીયા (ઉ.૬૦) તથા તેમના પત્‍નિ કંચનબેન (ઉ.૫૮) પર સાંજે તેમના જ કુટુંબી ભત્રીજા ઇશાભાઇ મુછળીયા, ભત્રીજાવહુ ભાનુબેન તેમજ રામજી હીરાભાઇ સહિતે લાકડીથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

સામા પક્ષે રામજી હીરાભાઇ મુછળીયા (ઉ.૩૧), દિવ્‍યા કિશોરભાઇ મુછળીયા (ઉ.૧૯) અને હીના કિશોરભાઇ મુછળીયા (ઉ.૧૭) પણ પોતાના પર દયાબેન, પ્રભાબેન, ઉમેશ સહિતે લાકડીથી હુમલો કરી બ્‍લેડથી છરકા કરી ઇજા પહોંચાડયાની રાવ સાથે રાજકોટ દાખલ થતા હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ પડધરી પોલીસને જાણ કરી હતી.

રામજીભાઇના કહેવા મુજબ તેના દિકરા ઉમેશે અગાઉ કુટુંબી ભત્રીજાને ઉછીના પંદર હજાર રૂપિયા આપ્‍યા હતાં. આ રકમની ઉઘરાણી કરતાં બોલાચાલી થઇ હતી અને તેના કારણે હુમલો કરવામાં આવ્‍યો હતો. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:59 am IST)