Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સિપાઇ સમાજ દ્વારા રવિવારે સન્માન સમારોહ

૮૩ ગામની જમાતોની સંગઠીત સંસ્થા દ્વારા આયોજન : તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનો અને નવનિયુકત સરકારી કર્મચારીઓને પ્રોત્સાહીત કરાશે

રાજકોટ તા.૩ : ગુજરાતભરમાંથી ૮૩ ગામોની જમાતો સાથે જોડાઇને ખોટી માન્યતાઓ, કુરીવાજો દુર કરવા અને શૈક્ષણિક માર્ગદર્શન આપવાનું કાર્ય કરતા સિપાઇ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તા. ૭ ના રવિવારે દ્વીતીય સન્માન સમારોહનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ૭ ના બપોરે ૧.૩૦ વાગ્યે અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ, પેડક રોડ રાજકોટ ખાતે આયોજીત આ સન્માન સમારોહમાં કુલ ૪૬૮ તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનો તેમજ નવનિયુકત સરકારી કર્મચારીઓ તથા સંસ્થા દ્વારા યોજાતા આરોગ્ય કેમ્પમાં માનદ સેવા આપનાર ડોકટરોને શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનીત કરવામાં આવશે.

આ સંસ્થા દ્વારા સમયાંતરે નિદાન કેમ્પ કે જનજાગૃતિના કાર્યક્રમો થતા રહે છે. ગત વર્ષે આયોજીત સન્માન સમારોહની સફળતાથી પ્રેરાઇને આ દ્વીતીય વર્ષે આયોજન કરેલ છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પણ સન્માન સમારોહ માટે સ્નેહ નિતરતુ નિમંત્ર અપાયુ છે.

સમગ્ર કાર્યકા્રમને સફળ બનાવવા પ્રમુખ ડો. અવેશ એ. ચૌહાણ (પોરબંદર), ઉપપ્રમુખ મોહસીનખાન ડી. પઠાણ (ચોટીલા), આસીફભાઇ સિપાઇ (રાજકોટ), સભ્યો મુશર્રફભાઇ મોગલ, પરવેજભાઇ કુરેશી, ઇરફાનભાઇ મોગલ, હુશેનભાઇ શેખ તેમજ ગામે ગામના સિપાઇ સમાજ ટ્રસ્ટના સભ્યો, સિપાઇ યંગ ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સિપાઇ સમાજના સન્માનોત્સવની વિગતો વર્ણવતા સર્વે આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૬.૧)

(4:40 pm IST)