Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બી.એ. ડાંગર હોમીયોપેથીક કોલેજના ચકચારી પ્રકરણમાં સૌ. યુનિ.ના પુર્વ ડીન અમિતાભ જોષીના જામીન મંજૂર

સાત લાખ ૪ર હજાર કોર્ટમાં જમા કરાવાની શરતે જામીન મંજૂર

રાજકોટ તા. પ :.. બી.એ. ડાંગર હોમીયોપેથીક કોલેજની પ્રીન્સીપાલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન તરીકે રહી ચૂકેલા ડો. અમિતાભ જોષીનો જામીન પર છૂટકારો ફરમાવતો જોઇન્ટ ડ્રીસ્ટકટ જજશ્રી એમ. એમ. બાબીએ હુકમ કર્યો હતો.

આ અંગે ફરીયાદી કીરીટ એમ. પાઠક નાયબ કુલ સચિવે તા. ૧૯-૪-ર૦૧૮ ના રોજ ગાંધીગ્રામ (ર) યુનિ. માં આરોપી (૧) ડો. અમીતાભ રમેશચંદ્ર જોષી, (ર) ડો. કોઠારી તથા અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય કોલેજના ટ્રસ્ટીઓ સામે ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદના કામે આરોપી ડો. અમીતાભ રમેશચંદ્ર જોષીની અટક કરેલ હતી અને ઘણા સમયથી જેલ કસ્ટડીમાં રહેલ હતાં. તેમને જામીન પર છૂટવા માટે તેમના એડવોકેટશ્રી અભય ભારદ્વાજ મારફત જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીની સુનાવણી થતા પહેલા બી. એ. ડાંગર કોલેજના અન્ય બે ટ્રસ્ટીઓ (૧) જનકભાઇ લાભુભાઇ મેતા તથા (ર) દીકપભાઇ બચુભાઇ ડાંગરની અટક પણ તેઓની સાથે જ થયેલ હતી અને આ બંને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલ હતી અને ત્યારબાદ બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા બંને આરોપીઓને ટ્રાયલ કોર્ટમાં રકમ જમા કરાવીએથી જામીન પર છોડવાનો હુકમ કરેલ હતો.

બી.એ. ડાંગર કોલેજના બંને ટ્રસ્ટીઓને ગુજરાત હાઇકોર્ટે જામીન પર મુકત કરતા હાલના આરોપી ડો. અમીતાભ જોષીએ સેશન્સ કોર્ટમાં પોતાને જામીન પર મુકત કરવા અને પોતે પણ કોર્ટ જે હુકમ કરે તે મુજબની રકમ જમા કરવા તૈયાર હોવાનું જણાવેલ હતું અને બચાવ પક્ષે એવી પણ દલીલ કરેલ હતી કે, હાલના અરજદાર આરોપીની સામે જયારે ફરીયાદ નોંધવામાં આવેલ અને આ ફરીયાદના કામે જયારે આરોપી અટક થયેલ ત્યારબાદ જે પુરાવો તપાસ કરનાર અમલદાર સમક્ષ આવેલ છે તે અંગેનો પુરાવો અને હાલના આરોપીને અટક કરવામાં આવ્યા પહેલા જે પુરાવો રેકર્ડ પર આવેલ હતો તેમાં ઘણો જ વિરોધાભાસ આવેલ હતો. અને અગાઉ જે ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ ત્યારે હાલના અરજદારને મુખ્ય આરોપી ગણવામાં આવેલ હતા ત્યારબાદ ત.ક.અ. ની તપાસમાં સત્ય હકિકત બહાર આવેલ છે અને હાલના આરોપીએ કોઇ જ બોગસ માર્કશીટ બનાવેલ નથી કે કોઇ જ ડોકયુમેન્ટ બોગસ બનાવેલ નથી જે હકિકતને ધ્યાને લઇને આરોપીને જામીન પર મુકત કરવા માટેની મુખ્યત્વે દલીલ કરવામાં આવેલ હતી.

ઉપરોકત કેસમાં બંને પક્ષોની વિગતવારની દલીલો તથા વિવિધ વડીઅદાલતોના ચુકાદાઓને ધ્યાને લઇને આરોપી ડો. અમીતભાઇ જોષીને રૂ.૭,૪ર,પ૦૦ આ હુકમની તારીખથી અઠવાડીયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવાના રહેશે અને સદર ડીપોઝીટ પૈકી રૂ.ર,૦૦,૦૦૦ તેઓએ જામીન પર મુકત થયાની તારીખથી બે અઠવાડીયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવાના રહેશે. તેવી શરત સાથે હાલના આરોપી ડો. અમીતભાઇ જોષીને રૂ. રપ,૦૦૦ ના જામીન પર છોડવાનો હુકમ કરેલ હતો.

આ કામના આરોપી ડો. અમીતભાઇ રમેશચંદ્ર જોષી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, કમલેશ ઉધરેજા, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, ગૌરાંગ ગોકાણી રોકાયા હતા. (પ-૧૭)

 

(4:37 pm IST)