Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રવિવારે પંચનાથ મહાદેવ ટ્રસ્ટની આંખની આધુનિક હોસ્પિટલનો પ્રારંભ

નજીવા દરે શ્રેષ્ઠ સારવારનો અમૂલ્ય અવસર : પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ઉદ્દઘાટન * સંસ્કૃત પાઠશાળાનો પ્રથમ દિક્ષાંત સમારોહ * પ્રમુખ દેવાંગ માંકડના નેતૃત્વમાં બેનમૂન સેવા પ્રકલ્પ

રાજકોટ, તા. ૫ : નજીવા દરે શ્રેષ્ઠ સારવારનો અવસર હવે રાજકોટના શ્રી પંચનાથ મહાદેવ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને ફાળે જાય છે. રવિવારે આંખની આધુનિક હોસ્પિટલનો પ્રારંભ થશે.

રાજકોટનું પ્રાચીન તીર્થ એટલે પંચનાથ મહાદેવ મંદિર જે પાવન ભૂમિ પર શિવ સેવા સહિતના સેવાકીય, શૈક્ષણિક, રચનાત્મક કાર્યોથી સતત ધમધમે છે. ગત વર્ષે પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પંચનાથ હોસ્પિટલના નિર્માણાર્થે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન થયેલ. જેમાં પૂ. ભાઈશ્રીની પ્રેરણાથી સાંદિપની વિદ્યાનિકેતન (પોરબંદર) તથા પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટની સર્વપ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. જેમાં ડો. જગત તેરૈયા (પી.એચ.ડી.) દ્વારા દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ વર્ગો ચાલે છે. અત્યારે ૨ વર્ષ પૂર્ણ થઈ આશરે ૮૦ વિદ્યાર્થીઓએ સંસ્કૃતનું શિક્ષણ પૂર્ણ કર્યુ છે. જે તમામ વિદ્યાર્થીઓનો પ્રથમ દીક્ષાત સમારોહ આગામી તા.૭ને રવિવારના સાંજે ૪:૩૦ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે યોજવામાં આવેલ છે. આ પ્રસંગે દીક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તથા પૂ.ભાઈશ્રીના આર્શીવચનનો લાભ પણ પ્રાપ્ત થશે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડે (મો.૯૮૨૪૪ ૦૭૮૩૯) જણાવેલ કે ભારતીય સંસ્કૃતિના મુળમાં સંસ્કૃત ભાષા રહેલી છે. આ ભાષા કોઈ વિસ્તાર કે સમુદાય પુરતી સીમીત નથી એ તો યુનિવર્સલ (વૈશ્વિક) છે. પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના પ્રચાર, પ્રસાર માટે પ્રમાણીક પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાજકોટના નગરજનોને ઉમટી પડવા પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ અનુરોધ કરે છે.

પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના નવા તબીબી સેવા પ્રકલ્પ વિશે જણાવતા દેવાંગભાઈએ કહ્યું કે સંસ્કૃતના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહની સાથોસાથ નવા તબીબી સેવા પ્રકલ્પ આધુનિક સુવિધાથી સજ્જ આંખની હોસ્પિટલનો શુભારંભ પૂ.ભાઈશ્રીના હસ્તે કરવામાં આવશે. જયાં ડો.કલ્પેશ ખુંટ ફુલટાઈમ કાર્યરત રહેશે. ઓએનજીસીના સી. એસ. આર. ફંડમાંથી ઓ.પી.ડી. યુનિટ કે જેમાં Auto Lensnetes, Auto Ref મશીન, Keratometer, Tonometer, Chair Unit વગેરેનો સમાવેશ થાય છે. જયારે શ્રી ધાંધા પરિવારના શ્રીદાનથી ASCAN, MICROSCOPE અને Phaco મશીન તેમજ ઓપરેશન ટેબલ, લેન્સ વગેરે જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આંખની હોસ્પિટલ અંગે જણાવતા ટ્રસ્ટી મંડળે કહ્યું કે, અત્યંત રાહતદરે આ આંખનું નિદાન કેન્દ્ર ચલાવવામાં આવશે. જયાં જરૂરતમંદ દર્દીઓને સેવા કરવામાં આવશે. પંચનાથ નિદાન કેન્દ્રની ૧૫ વર્ષ પૂર્વે સ્થાપનાનો હેતુ જ દર્દીનારાયણની સેવાનો રહેલ છે. છેલ્લા ૧૫ વર્ષથી પંચનાથ મહાદેવ નિદાન કેન્દ્ર દ્વારા અત્યંત નજીવી રકમે એકસ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી, જનરલ ઓ.પી.ડી., ડેન્ટલ વિભાગની સુવિધાઓ ઉપલબ્ધ છે. દરરોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી દરેક ફેકલ્ટીના નિષ્ણાંત ડોકટરો દ્વારા માત્ર રૂ.૧૦માં નિદાનની સેવા આપવામાં આવે છે.

શ્રી પંચનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર દીક્ષાંત સમારોહ અને આંખની હોસ્પિટલના ઉદ્દઘાટન સમારોહમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ઉદ્દઘાટક રહેશે., તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ધનસુખભાઈ ભંડેરી, શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રી મોહનભાઈ કુંડારીયા, ઉદયભાઈ કાનગડ, નીતિનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અજયભાઈ પરમાર, અશ્વિનભાઈ મોલીયા, પુષ્કરભાઈ પટેલ, આશીષકુમાર ચૌહાણ, જયોતિન્દ્રભાઈ મહેતા, રામભાઈ મોકરીયા, જેન્તીભાઈ ચાન્દ્રા, અનિલભાઈ દેસાઈ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગૌતમભાઈ ધમસાણીયા, નીતીનભાઈ કામદાર, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, મનીષભાઈ માડેકા, ચમનભાઈ લોઢીયા, કિશોરભાઈ કોટેચા, નરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ ટીલાળા વગેરે મહાનુભાવો મહાદેવના નિયુકત સાક્ષીઓ તરીકે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરશે.

આ સમગ્ર આયોજનને પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડની રાહબરીમાં વસંતભાઈ જસાણી, તનસુખભાઈ ઓઝા, ડો.લક્ષ્મણભાઈ ચાવડા, ડો.લલીતભાઈ ત્રિવેદી, મહેન્દ્રસિંહ ગોહેલ, મિતેષભાઈ વ્યાસ, મનુભાઈ પટેલ, નીતિનભાઈ મણીયાર, મયુરભાઈ શાહ, ડી.વી. મહેતા, નારણભાઈ લાલકીયા વગેરે સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉપરોકત બંને કાર્યક્રમોમાં કિશોરભાઈ ત્રિવેદી, પ્રજ્ઞેશભાઈ જાની, નીરજભાઈ પાઠક, ખીમાભાઈ જોગરાણા, ડો.રવિભાઈ ગુજરાતી, ડો. જગત તેરૈયા, મનુભાઈ ધાંધા, સાંઈરામ દવે, હેલીબેન ત્રિવેદી, દેવલબેન જોષી, મીનાબેન પારેખ, નેહલબેન વચ્છરાજાની, ભવ્યભાઈ પારેખ, માધવભાઈ દવે વગેરે પણ આ શિવકાર્યમાં કોઈને કોઈ પ્રકારે નિમિત બનેલા છે.

ઉપરોકત બંને કાર્યક્રમોમાં રાજકોટના નગરજનોને ઉપસ્થિત રહેવા પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ અનુરોધ કરેલ છે.(૩૭.૬)

 

(4:34 pm IST)