Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ડો. પટેલે પરિક્ષણ કરી કહ્યું- તમારે ગર્ભપાતની જરૂર નથી, મને પેંડા ખવડાવવા પડશે, તમારે તો બાબો છે!

સરદારનગરના કિરો કલીનીકમાં થતાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણનો પર્દાફાશ થતાં ડોકટર અને બે એજન્ટ મહિલાની ધરપકડઃ રિમાન્ડની તજવીજઃ આદિત્ય હોસ્પિટલની કર્મચારી સુમિતાબાએ પરિક્ષણના ૩૦ હજાર અને ગર્ભપાત કરવો પડે તો અલગથી ૧૫ હજાર આપવા પડશે તેવું નક્કી કરી એડવાન્સમાં ૩૦ હજાર લઇ લીધા'તાઃ સોનોગ્રાફી મશીન શીલ કરાયું: કલીનીકમાંથી રેકોર્ડ પણ કબ્જે

રાજકોટ તા. ૫: સરદારનગર-૧૮માં કિરો એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનિકમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ થતું હોવાનો અને જો દિકરી હોય તો ગર્ભપાત કરી આપવામાં આવતો હોવાના કૃત્યનો પર્દાફાશ થતાં પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારીની ફરિયાદ પરથી આ કલીનિકના ડો. જી.એલ. પટેલ તથા એજન્ટ તરીકે કામ કરતી અન્ય હોસ્પિટલની કર્મચારી સુમિતાબા કમલેશસિંહ સરવૈયા તથા તેની બહેનપણી લીલા કાંતિલાલ સોલંકી સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરી છે. અગાઉ બે વખત સિઝેરીયનથી થયેલી ડિલીવરીમાં બે દિકરીને જન્મ આપી ચુકેલી સગર્ભાને સુમિતાબાએ પોતે 'ગર્ભમાં દિકરી છે કે દિકરો તે ચેક કરાવી આપશે અને જો દિકરી હશે તો ગર્ભપાત પણ થઇ જશે' તેમ કહી ડો. જી.એલ. પટેલના કલીનીકમાં લઇ જઇ પરિક્ષણ કરાવ્યું હતું. ડો. પટેલે પરિક્ષણ કર્યા બાદ 'તમારે ગર્ભપાતની જરૂર જ નથી, મને પેંડા ખવડાવજો, તમારે તો બાબો છે' તેમ કહ્યું હતું.

એ-ડિવીઝન પોલીસ મથકમાં નાયબ આરોગ્ય અધિકારી આલાપ એવન્યુ સી-૫૭માં રહેતાં ડો. હિરેન વસંતરાય વિસાણી (ઉ.૩૨)ની ફરિયાદ પરથી ડો. જી.એલ. પટેલ, સુમિતાબા અને લીલાબેન સામે આઇપીસી ૩૧૫, ૫૧૧, ૧૨૦ (બી) મુજબ જાતીય પરિક્ષણ અને ભૃણ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં કાવત્રુ રચી જાતીય પરિક્ષણ કરી આપી ગર્ભપાતનો પ્રયાસ કરવાની કોશિષ કરવા સબબ ગુનો નોંધી ધરપકડ કરી છે. ડો. વિસાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોલીસ મારફત માહિતી મળી હતી કે રામપાર્કના એક સગર્ભા કે જેની અગાઉ બે ડિલીવરી સિઝેરીયનથી થઇ હતી અને બંને વખત દિકરી જન્મી હતી તે ત્રીજી વખત સિઝેરીયન ન થાય એ માટે આદિત્ય હોસ્પિટલના ડોકટર પાસે દેખાડવા ગયા હતાં. ત્યારે ત્યાં કામ કરતી સુમિતાબા સરવૈયા નામની મહિલાએ તેણીને એવી વાત કરી હતી કે તમારા ગર્ભમાં દિકરો છે કે દિકરી તે ચેક કરાવી જોવો, દિકરી હોય તો ગર્ભપાત પણ થઇ જશે. આ માટે  સરદારનગર-૧૮માં કિરો એકસરે કલીનીકમાં ડો. જી.એલ. પટેલ પાસે જવું પડે તેવી વાત કરી હતી. આ વખતે સુમિતાબાની બહેનપણી લીલાબેન પણ સાથે હતી.

આ બંનેએ સગર્ભાને કહેલ કે જાતીય પરિક્ષણ ઉપર પ્રતિબંધ છે આ બધુ ખાનગીમાં કરવું પડે અને એ માટે પૈસા થાય. પરિક્ષણના ૩૦ હજાર અને દિકરી હોય, ગર્ભપાત કરાવવો હોય તો ૧૫ હજાર બીજા ભરવા પડે. આ વાત થયા બાદ બંનેએ ૩૦ હજાર એડવાન્સમાં આપવા પડશે તેમ કહ્યું હતું.  બાદમાં પોલીસને જાણ થતાં સગર્ભા મહિલાને બે મહિલા પોલીસ કોન્સ્ટેલ સાથે ડમી ગ્રાહક તરીકે કિરો કલીનીકમાંમોકલવાનું નક્કી કર્યુ હતું. જે મુજબ સુમિતાબા, લીલાબેન અને સગર્ભા મહિલા તથા ખાનગી ડ્રેસમાં બે મહિલા કોન્સ્ટેબલ એમ બધા રિક્ષા મારફત ડો. જી.એલ. પટેલના કલીનીકે પહોંચ્યા હતાં.

એ પછી સગર્ભા મહિલાનું ચેકઅપ કરાવવા અંદર લઇ જવાયા હમતાં. તે બહાર આવ્યા બાદ તેણીએ પોલીસને કહેલુ કે ડો. જી.એલ. પટેલે ગર્ભમાં રહેલા બાળકનું પરિક્ષણ કરી આપ્યું છે અને તમારે બાબો છે, તમારે ગર્ભપાતની જરૂર નથી, મને પેંડા ખવડાવવા પડશે તેવું કહ્યું હોવાની વાત જણાવી હતી. જો કે ડોકટરે લેખિતમાં કોઇ રિપોર્ટ આપ્યો નહોતો. સગર્ભાના કહેવા  મુજબ ગર્ભ પરિક્ષણ થયાની જાણ થતાં નાયબ આરોગ્ય અધિકારીની ટીમે નિયમ મુજબ હોસ્પિટલમાં જઇ રજીસ્ટરો ચેક કર્યા હતાં. જો કે તેમાં સોનોગ્રાફી થયાની કોઇ નોંધ નહોતી. રોજકામ કરી સોનોગ્રાફી મશીન શીલ કરી રેકર્ડ રજીસ્ટરો જપ્ત કર્યા હતાં અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમ ડો. વિસાણીએ ફરિયાદમાં જણાવતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, રણજીતસિંહ ઝાલા, મેરૂભા ઝાલા, ભરતસિંહ ગોહિલ,  ઇન્દુભા સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. કેટલા સમયથી અહિ આ કોૈભાંડ ચાલતું હતું? કેટલા ગેરકાયદેસર પરિક્ષણો કર્યા? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. (૧૪.૮)

(4:16 pm IST)