Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રફાળા ગામની જમીન અંગેનો દસ્તાવેજ રદ કરી પાર્ટીશન કરવા અંગે થયેલ દાવો રદ

રાજકોટ તા.૫: રફાળા ગામની જમીનો પરત્વે થયેલ વેંચાણ દસ્તાવેજો રદ કરી પાર્ટીશન કરી આપવા થયેલ દાવાને અદાલતે રદ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે. કે, રાજકોટ તાલુકાના રફાળા ગામે આવેલ રેવન્યુ સર્વે નં.૨૦ની જમીન એ.૫-૨૩ ગૂંઠા તથા રેવન્યુ સર્વે નં.૨૫૮ની જમીન એ.૧૭-૧૯ ગૂંઠા તથા રે.સર્વે નં.૧૩૨ ની જમીન એ.૨-૦૭ ગૂંઠા એમ કુલ જમીન એ.૨૫-૧૯ ગંૂઠા જમીનો તથા ગામતળમાં આવેલ રહેણાંક મકાનો હક્કપત્રક પ્રમોલગેશન થયુ ત્યારથીજ પટેલ સવદાસભાઇનાં વિધવા કુંવરબેન સવદાસભાઇની સ્વતંત્ર માલીકીની આવેલ હતી.

સમય જતા કુંવરબેનનની અન્ય બે પુત્રીઓ પૈકી રળીયાતબેન સવદાસભાઇ તે વા/ઓ. ઘુસાભાઇ હીરપરાએ પોતાની માતા કુંવરબેન સવદાસભાઇનાં ખાતાની રાજકોટ તાલુકાના રફાળા ગામે આવેલ  ઉપરોકત જમીનો તેઓની વડીલોપાર્જીત હોવાની તથા તેણીનો જન્મથીજ તેમાં કોપાર્શનર દરજજે હકક હિસ્સો હોવાની હકીકતો જણાવી કુવરબેનની અન્ય બે પુત્રીઓ તથા જમાઇ હરજીભાઇ કાળાભાઇ રામાણી તથા હરજીભાઇના બે દિકરા ગોપાલ હરજી રામાણી તથા વાલજી હરજી રામાણી તથા સદરહું જમીનો હરજીભાઇ રામાણી પાસેથી ખરીદનારા કરશનભાઇ ડાયાભાઇ સાકરીયા તથા તેમના બે દિકરા બાબુ કરશન સાકરીયા તથા દિનેશ કરશન સાકરીયા તથા અન્ય ખરીદનાર ખોડીદાસ લવજીભાઇ સેલડીયાના વારસો ધોળીબેન ખોડીદાસ વિ.૫ આ તમામ સામે રાજકોટની અદાલતમાં દાવો દાખલ કરેલ.

પ્રતિવાદી તરફે થયેલ રજૂઆતો ધ્યાને લઇને કોર્ટે એવું ઠરાવેલ કે, હિન્દુ વારસા ધારામાં સને ૨૦૦૫માં સુધારો થયેલ છે. તે મુજબ દિકરીઓને પિતાની મિલકતમાં હક્ક આપેલ છે. જે સુધારા અનુસાર સને ૨૦૦૫ પહેલા વહેંચણી કે રજીસ્ટર્ડ ખતથી કોઇ વ્યવહાર કરેલ હોય તેને આ સુધારો લાગુ પડતો નથી. તેમજ કુંવરબેને તા.૧૯-૧૦-૧૯૫૫ના રોજ ઉજીબેન તથા હરજીભાઇના નામે કરી આપેલ રજીસ્ટર વીલ કુંવરબેનના અવસાન બાદ આપોઆપ અમલમાં આવી જાય છે. અને તે વિલના આધારે પણ પ્રતિવાદી હરજીભાઇ કાળાભાઇ રામાણી સદરહું મિલકતોના એકલા અને સ્વતંત્ર માલીક બની જાય છે.

સદરહું મિલ્કત હરજીભાઇના નામે થયેલ ત્યારે વાદીએ તલાટી-કમ-મંત્રીશ્રી રૂબરૂમાં લેખીત કબૂલાત આપેલ છે. અને પોતાનો હકક હિસ્સો જતો કરેલ છે.જેથી તે સમયે કરવામાં આવેલ કાર્યવાહી કાયદેસરની છે. અને વાદી તેનાથી વિરૂધ્ધનું કહેવા જતા હોય, તેને ભારતીય પુરાવા અધિનિયમ અનુસાર રૂલ્સ ઓફ એસ્ટોપલનો સ્પષ્ટ બાધ નડે છે. અને ૧૯૬૪ થી જ વાદીને આ તમામ વ્યવહાર બાબતે જાત માહિતી હોય, વાદી ૪૮ વર્ષ પછી દાવો લઇને આવતા હોય સમય મર્યાદાનો સ્પષ્ટ બાધ નડે છે.

આ તમામ સંજોગો ધ્યાને લેતા વાદીનો કોઇ પ્રાઇમાફેસી કેસ જણાંતો નથી. તેમ ઠરાવી પ્રતિવાદી તરફે રજૂ થયેલ લંબાણ પૂર્વકની દલીલો અને ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચૂકાદા તથા રેકર્ડ પરનો લેખીત પુરાવો ધ્યાને લઇ વાદીનો દાવો નામંજૂર કરેલ છે. આ કેસમાં પ્રતિવાદી હરજીભાઇ કાળાભાઇ રામાણી વિ-૧ થી ૫ તરફે એડવોકેટ શ્રી પ્રવિણ એમ.પેઢડિયા તથા પ્રતિવાદી જમીન ખરીદનારા કરશન ડાયા સાકરીયા વિ.તરફે સુરેશ સી.સાવલીયા એડવોકેટ દરજ્જે રોકાયેલ હતા.(૧૭.૫૪)

(4:14 pm IST)