Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા માટે અનેરો પ્રયોગ

વેન્ડિગ મશીન દ્વારા ૩ દિ'માં ૧૯૮ ખાલી બોટલનો નિકાલ

કિશાન પરા, સર્વેશ્વર ચોકમાં એક-એક મશીન મૂકાયાઃ પ્લાસ્ટીકની ખાલી બોટલ નાંખી ૫ થી ૨૦ ટકા સુધી રેસ્ટોરન્ટ,ગાર્મેન્ટનાં ડિસ્કાઉન્ટ કૂપન મળશેઃ બંછાનિધિ પાનીની જાહેરાત

રાજકોટ,તા.૫:  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કિસાન પરા, સર્વેશ્વર ચોકમાં વેન્ડિગ મશીન મૂકવામાં આવ્યા છે. આ મશીનમાં છેલ્લા ૩ દિ'માં ૧૯૮ ખાલી પ્લાસ્ટીકની બોટલ નાંખી હતી. આ મશીનમાં શહેરની ૩ રેસ્ટોરન્ટ, ગાર્મેન્ટ-આઇસ્ક્રીમ પાર્લરનાં ૫ થી ૨૦ ટકા સુધીનાં ડિસ્કાઉન્ટ કૂપન મેળશે તેમ મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ.

આ  અંગે  બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે, શહેરમાં સ્વચ્છતા માટે અનોખી પહેલ કરતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરનાં બે સ્થળોએ વેન્ડિગ મશીન મૂકવામાં આવ્યા છે. આ મશીનમાં પ્લાસ્ટીકની ખાલી બોટલ નાંખતા ૫ થી ૨૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કૂપન ફ્રીમાં મળશે. આ મશીન જોવા લોકોની ભીડ એકઠી થઇ હતી અને મશીન ચાલુ કરતાં અંદર પાણી, ઠંડાપીણાની ખાલી નકામી બોટલો ઠાલવવા લોકો ઉમટી પડયા હતા.

આ મશીનમાં તા.૨નાં કિશાન પરા ચોકમાં ૪૨, સર્વેશ્વર ચોકમાં ૩૪, તા.૩નાકિશાન પરા ચોકમાં ૩૫, સર્વેશ્વર ચોકમાં ૩૯, તા.૪નાં કિશાન પરા ચોકમાં ૩૭, સર્વેશ્વર ચોકમાં ૨૧ સહિત કુલ ૧૯૮ બોટલ નાંખી ડિસ્કાઉન્ટ કૂપન મેળવ્યા છે તેમ અંતમાં  બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ.(૨૮.૧)

(4:09 pm IST)