Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વ્યવસાયિક ક્ષેત્રે ઉંચી ઉડાન ભરનાર મોૈલેશ ભાઇને ફુલડે વધાવાશે

સોમવારે રાજકોટ અભિવાદન સમિતિ દ્વારા સન્માન સમારોહઃ સેવાયાત્રાને બિરદાવાશે

રાજકોટ તા.૫:તાજેતરમાં રાજકોટને ગોૈરવ થાય તે રીતે વ્યવસાયિક ક્ષેત્રે ઊંચી ઉડાન ભરનાર બાન લેબના એમ.ડી. મોૈલેશભાઇનું ભવ્ય સન્માન કરવા રાજકોટ અભિવાદન સમિતિએ નિર્ણય લીધો છે. કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા તેમજ શહેરના ટોચના આગેવાનોની હાજરીમાં તા. ૮ના સોમવારે સાંજે ૭:૩૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહમાં યોજાનારા આ કાર્યક્રમમાં મોૈલેશભાઇની સેવાયાત્રાને બિરદાવાશે.

રાજકોટ અભિવાદન સમિતિની યાદીમાં જણાવાયું છે કે, વૈશ્વિક ફલક ઉપર સોૈરાષ્ટ્રનું નામ રોશન કરનાર મુઠ્ઠી ઉંચેરા માનવી, ભગવાન દ્વારકાધીશના અનન્ય ભકત, હકારાત્મક ઉર્જાના સ્ત્રોત, આગવી કોઠાસુઝ અને સાહસિકતાના પર્યાય, સામાજિક અને સેવાકીય કાર્યોના પ્રહરી તેમજ સમગ્ર સોૈરાષ્ટ્રને સેવા બ્રાન્ડનું આંતરરાષ્ટ્રીય કંપની ટુ નોર્થ સાથે સંયોજન કરીને વૈશ્વિક ગોૈરવ અપાવનાર મોૈલેશભાઇ ઉકાણીનું સન્માન એ સમગ્ર સોૈરાષ્ટ્રવાસીઓનું સન્માન છે.

મોૈલેશભાઇ ઉકાણી સરગમ કલબના મંત્રી હોવા ઉપરાંત પાટીદાર સમાજથી લઇને દરેક જ્ઞાતિ સમાજ સાથે અતુટ ધરોબો ધરાવે છે. તેઓ સરકારી, અર્ધ સરકારી, સામાજિક ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ કરતી ૪૫ જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તાજેતરમાં સરકાર દ્વારા મંદિરની સમિતિમાં પણ તેઓની નિમણંૂક કરવામાં આવી છે.

રાજકોટ નાગરિક અભિવાદન સમિતિમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ ગોૈતમભાઇ ધમસાણિયા, સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતા, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઇ ટીલારા, ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સ્મિત પટેલ, શેઠ બિલ્ડર્સના મુકેશભાઇ શેઠ, મેટોડા જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ બિપીનભાઇ હદવાણી, જીનીયસ સ્કૂલના ડી.વી. મહેતા, જૈન સમાજના અગ્રણી ચન્દ્રકાન્તભાઇ શેઠ, સમર્પણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, આર.કે. યુનિવર્સિટીના ચેરમેન ખોડીદાસ પટેલ, એન્જલ પમ્પના કિરીટભાઇ આદ્રોજા, પુજારા ટેલિકોમના યોગેશભાઇ પુજારા, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, સોૈરાષ્ટ્ર-કચ્છના ચેમ્બરના પ્રમુખ નલિનભાઇ ઝવેરી, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, સિલ્વર એન્ડ ગોલ્ડ એસોસિએશનના ભાયાભાઇ સાહોલિયા અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.કે. વડોદરિયા વગેરેનો સમાવેશ થાય છે.

સમારોહના અધ્યક્ષ સ્થાને વજુભાઈ વાળા (રાજ્યપાલ-કર્ણાટક) તેમજ મુખ્ય મહેમાન તરીકે પરમાત્માનંદજી સરસ્વતી (મુંજકા), અપૂર્વમુની સ્વામી (બીએપીએસ), ડો. રાહુલ ગુપ્તા (કલેકટર શ્રી રાજકોટ), મનોજ અગ્રવાલ (કમિશ્નરશ્રી રાજકોટ પોલીસ), બી.એન. પાની (કમિશ્નરશ્રી રાજકોટ મહાનગરપાલિકા), ડો. ડાયાભાઈ પટેલ (ઉમીયાધામ), નરેશભાઈ પટેલ (પ્રમુખ-ખોડલધામ), અનુપમસિંહ ગેહલોત (કમિશ્નર-બરોડા પોલીસ), વિક્રાંત પાંડે (કલેકટરશ્રી અમદાવાદ), મોહન ઝા (ગાંધીનગર), સંદીપ સિંગ (ડીઆઈજી-રાજકોટ), બીનાબેન આચાર્ય (મેયર રાજકોટ મહાનગર), બલરામ મીના (રૂરલ ડીએસપી) ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ આમંત્રિત મહેમાનો માટે સિમિત હોવાનું અભિવાદન સમિતિના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને સંયોજક મહેન્દ્રભાઈ ફળદુની યાદીમાં જણાવાયુ છે.(૧.૨૩)

(4:06 pm IST)