Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

'મારુ જીવન એ જ સંદેશ' ગાંધી જયંતિ નિમિત્તે કોટક સ્કૂલમાં અભિનવ કાર્યક્રમ

કેળવણી મંડળમાં ૨૫ વર્ષ પૂર્ણ કરનાર સ્ટાફનું સોનાની ગીની ભેટ આપી-શાલ ઓઢાડી સન્માન

રાજકોટઃ. વિદ્યાર્થીઓમાં ગાંધી મૂલ્યોનું આરોપણ, જતન અને સંવર્ધન થાય એવા પ્રેરક હેતુથી ગાંધી જયંતિ પૂર્વે 'પોપટલાલ કોટક સભાગૃહ'માં રાજકોટ કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ કોટકના અધ્યક્ષ સ્થાને 'મારું જીવન એ જ સંદેશ' શિર્ષકથી સંગીત, નાટક અને નૃત્યના સંકલિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જનથી કરવામાં આવી હતી અને ત્યાર બાદ શાળાના સંગીતવૃંદે ગાંધી જીવન પરની કવિ ઉમાશંકર જોષીની અમર રચના 'મારૃં જીવન એ જ મારી વાણી' પ્રસ્તુત કરેલ હતી. ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો'માંથી કેટલાક પ્રસંગો લઈ તેનુ નાટય રૂપાંતર કરી વિદ્યાર્થીઓએ નાટક પ્રસ્તુત કર્યુ હતું. જેમાં ૮૨ વિદ્યાર્થીઓએ દાંડીયાત્રાનું દ્રશ્ય ભજવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગાંધીજીના જીવન સંદેશને પ્રતિકાત્મક રીતે રજુ કરતુ નૃત્ય 'બંદે મે થા દમ, વંદેમાતરમ્' અને વૈષ્ણવજન ગીત પર કથ્થક નૃત્યની પ્રસ્તુતિ પણ કાબિલેદાદ રહી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી રાજકોટ કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ કોટકે વિદ્યાર્થીઓની પ્રેરક રજૂઆતને બિરદાવી હતી. કાર્યક્રમના આયોજક પ્રિન્સીપાલ વંદનાબેન બદિયાણી અને આર.એચ. કોટક સ્કૂલની સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ કેળવણી મંડળની શૈક્ષણિક સંસ્થાઓમા સર્વિસના ૨૫ વર્ષ પુરા કરેલ હોય તેવા અગિયાર ટીચીંગ તથા નોનટીચીંગ સ્ટાફનું સોનાની ગીની અને શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું. છેલ્લા ૫ વર્ષથી રાજકોટ કેળવણી મંડળે શિક્ષકોનું  સન્માન  કરવાનો  પ્રારંભ  કરેલ  છે. (૨-૧૮)

(4:00 pm IST)