Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નવગુજરાત સમયના અમદાવાદના સ્પોર્ટસ રિપોર્ટર અને બીસીસીઆઇના બે સ્કોરરને અકસ્માતમાં ઇજા

રાજકોટના નવા ૧૫૦ રીંગ રોડ પર અકસ્માતઃ સ્કોર્પિયો અને પીકઅપ વેન સામ-સામે અથડાયાઃ તુષારભાઇ ત્રિવેદી, દેશરાજભાઇ ચોૈહાણ અને દેવેન્દ્ર હિરાણીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાઃ સામેની ગાડીના ચાલક જામનગરના મહમદરફિકભાઇ તથા સાથેના ફારૂક સિવિલમાં દાખલ

તસ્વીરમાં નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઘટના સ્થળે બંને અકસ્માતગ્રસ્ત વાહનો અને ઇન્સેટમાં ઇજાગ્રસ્ત રિપોર્ટર-સ્કોરર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫: નવા દોઢસો ફુટ રીંગ રોડ પર પરશુરામ ચોકડી નજીક સવારે સ્કોર્પિયો અને બોલેરો પીકઅપ વેન સામ-સામે અથડાતાં બંને વાહનો રોડ નીચે ઉતરી જતાં સ્કોર્પિયોમાં બેઠેલા નવગુજરાત સમયના સ્પોર્ટ રિપોર્ટર અને બીસીસીઆઇના સ્કોરર અમદાવાદના યુવાન તથા રાજકોટના બે સ્કોરર યુવાનોને ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ત્રણેય ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના ટેસ્ટ મેચમાં સ્કોરીંગ કરવા માટે જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. સામેની પીકઅપવેનના ચાલક સહિત બે વ્યકિતને પણ ઇજા થતાં સિવિલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ નજીક સ્કોર્પિયો કાર અને પીકઅપ વેન સામ સામે ધડાકાભેર અથડાતાં સ્કોર્પિયોમાં બેઠેલા અમદાવાદના તુષારભાઇ હરિકૃષ્ણભાઇ ત્રિવેદી (ઉ.૫૩), રાજકોટ યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં રહેતાં દેશરાજભાઇ રણજીતભાઇ ચોૈહાણ (ઉ.૨૮) તથા નાના મવા રોડ પર મેઘમાયાનગરમાં રહેતાં દેવેન્દ્ર નાનજીભાઇ હિરાણી (ઉ.૨૫)ને ઇજાઓ થતાં ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પીએસઆઇ કે. જે. વાઘોશી અને લક્ષમણભાઇએ ઘટના સ્થળે તથા હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્યા મુજબ તુષારભાઇ ત્રિવેદી નવગુજરાત સમય અખબારના રિઝીયોનલ સ્પોર્ટ રિપોર્ટર છે અને બીસીસીઆઇના સ્કોરર પણ છે. તે રિપોર્ટિંગ તથા સ્કોરીંગ માટે ખંઢેરી જઇ રહ્યા હતાં. તેમની સાથેના દેશરાજભાઇ ચોૈહાણ અને દેવેન્દ્ર હિરાણી પણ સ્કોરર છે.

અકસ્માતના બનાવની જાણ થતાં નવગુજરાત સમયના રાજકોટના નિવાસી તંત્રી શ્રી ધર્મેશ વૈદ તેમજ અન્ય રિપોર્ટર હોસ્પિટલે દોડી ગયા હતાં. ધર્મેશ વૈદના જણાવ્યા મુજબ સ્કોર્પિયોનું સ્ટીયરીંગ અચાનક લોક થઇ જતાં તે વખતે જ સામેથી પીકઅપવેન આવતાં તેની સાથે અકસ્માત સર્જાયો હતો. તુષારભાઇને ખભામાં બે હાડકામાં ફ્રેકચર છે અને દેશરાજભાઇને ગોઠણ તથા માથામાં અને દેવેન્દ્રને છાતીમાં ઇજા થઇ છે.

જ્યારે સામેની પીકઅપ વેનમાં બેઠેલા મહમદરફિકભાઇ ઇસ્માઇલભાઇ ભેડા (ઉ.૪૫-રહે. જામનગર કાલાવડ નાકા બહાર) તથા ફારૂકભાઇ હાજીભાઇ (ઉ.૨૫-રહે. બેડી)ને ઇજા થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ગાડી રફિકભાઇ ચલાવતાં હતાં. ભંગાર ભરીને તેઓ જામનગરથી રાજકોટ આવી રહ્યા હતાં.

દેશરાજભાઇ ચોૈહાણ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અને હરિવંદના કોલેજના ટ્રસ્ટ મહેશભાઇ ચોૈહાણના ચોૈહાણના જમાઇ થાય છે. બનાવની જાણ થતાં તેઓ તથા યુવા ભાજપના સર્વેશ્વર ચોૈહાણ પણ હોસ્પિટલે દોડી ગયા હતાં. (૧૪.૭)

(3:38 pm IST)