Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજકોટના સણોસરા ગામે આવેલ કિંમતી મિલ્કત ખાલી કરવાનો કોર્ટનો હુકમ

રાજકોટ, તા. પ : રાજકોટ તાલુકાના સણોસરા ગામે આવેલ કિંમતી મિલ્કત ખાલી કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાના સણોસરા ગામે ખેતીની ખેડવાણ જમીન રેવન્યુ સર્વે નં. ૩૮૬ પૈકી-૪ ની જમીન એકર ર-૧૦ ગુંઠા નાથાભાઇ ભાણાભાઇ લીંબાસીયાની માલીકીની આવેલી હતી. આ મિલ્કત તેમણે રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ૧૯૮રમાં ખરીદ કરેલ અને આ મિલ્કત ઉપર ખેતીના હેતુ માટે એક મકાન બનાવેલુ હતું જે મકાન વાપરવા માટે તેમણે વલ્લભભાઇ વાલજીભાઇ લીંબાસીયાને આપેલ. આ મકાનની નાથાભાઇ લીંબાસીયાને જરૂર હોવાથી વર્ષ ર૦૦૯માં મકાન ખાલી કરવા વલ્લભભાઇ લીંબાસીયાને જણાવતા વલ્લભભાઇએ ખાલી કરવાનો ઇન્કાર કરતા મિલ્કતના માલિક નાથાભાઇ ભાણાભાઇ લીંબાસીયાએ ખાલી કબજો મળવાનો રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો કરેલ.

સદરહું દાવાના જવાબમાં વલ્લભભાઇ વાલજીભાઇ લીંબાસીયાએ એવો બચાવ લીધેલ કે, આ મકાન નાથાભાઇ ભાણાભાઇ લીંબાસીયાની જગ્યામાં નહીં, પરંતુ તેમની માલિકીની રેવન્યુ સર્વે નં. ૩૮૬/ર ની જમીન એકર ૧-૩૭ ગુંઠામાં આવેલું છે અને તેથી આ મકાનની માલીકી તેમની આવેલી છે. અદાલતે બન્ને પક્ષકારોને પુરાવાની તક આપી દલીલો સાંભળી એવું ઠરાવેલ કે, ડી.આઇ.એલ.આરના સર્વેયર મારફતે વિવાદવાળા મકાનની જગ્યાની માપણી કરવામાં આવેલી છે અને તે સર્વેયરના રેકર્ડથી સ્પષ્ટપણે સાબીત થયેલ છે કે આ મકાન વાદીની માલિકીની રેવન્યુ સર્વે નં. ૩૮૬ પૈકી-૪ની નાથાભાઇ ભાણાભાઇની જગ્યામાં આવેલુ છે અને બીજા કોઇ પુરાવાથી એવું સાબીત થતું નથી કે આ દાવાવાળુ મકાન રેવન્યુ સર્વે નં. ૩૮૬/ર ની જગ્યામાં આવેલું હોય અને પ્રતિવાદીનો બીજો કોઇ બચાવ પણ નથી અને તેથી એવું સાબીત થાય છે કે, પ્રતિવાદી વલ્લભભાઇ વાલજીભાઇ લીંબાસીયા આ મકાનમાં અનઅધિકૃત અને ગેરકાયદેસર કબજો ધરાવે છે.

અદાલતે તેના ચુકાદામાં ટકોર કરતા એવું પણ લખેલ છે કે, પ્રતિવાદી તરફે એક પણ એવો પુરાવો નથી કે, જેનાથી તેઓ બતાવી શકતા હોય કે કેવી રીતે અને કઇ હેસિયતથી તેઓ આ મિલ્કતના કબ્જા છે અને જો પ્રતિવાદી એમ કહેતા હોય કે તેઓ માલિકી હકકથી આ મકાનનો કબજો ધરાવે છે તો માલિકી હકકના આધારો રજૂ કરતા તેમને કોઇએ રોકી રાખેલ નથી અને પ્રતિવાદી એવું પણ સાબીત કરી શકતા નથી કે આ મકાન રેવન્યુ સર્વે નં. ૩૮૬/ર ની તેમની માલીકીની જમીનમાં આવેલ છે. જયારે વાદી પક્ષે સ્પષ્ટપણે સાબીત થયેલ છે કે, આ મકાનની માલિકી તેમની છે અદાલતે હુકમની તારીખથી ૩૦ દિવસમાં આ મકાનનો ખાલી કબ્જો પ્રતિવાદીએ વાદીને સોંપી આપવો તેવો હુકમ કરેલ છે અને ખાલી કબજો સોપતા સુધી દર માસે રૂ. પ,૦૦૦/ચૂકવવા તેવો પણ હુકમ કરેલ છે. આ કેસમાં વાદી નાથાભાઇ ભાણાભાઇ લીંબાસીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી અર્જુન પટેલ, મુકેશ ગોંડલીયા, સત્યજીત ભટ્ટ, જવલંત પરસાણા અને શ્રી જીંગર નશીત તથા જસ્મીન ગોંડલીયા રોકાયેલા હતાં.

(12:11 pm IST)