Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નવી પેઢી ગુજરાતી ભાષા ભૂલતી જાય છે : સુરેશભાઇ કોટક

દેશના કોટન કિંગ અકિલાની મુલાકાતે : રાજકોટ ઉપર ગુરૂદેવની હંમેશ કૃપાદ્રષ્ટિ અકિલા પ્રજાપ્રશ્નોને શબ્દશઃ વાચા આપે છે... 'અકિલા લાઇવ ન્યૂઝ' નવું આયામ

રાજકોટ તા. ૪ : 'કોટન કીંગ' તરીકે દેશભરમાં ભારે નામના - ચાહના ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ - દાનવીર શ્રી સુરેશભાઇ કોટક તાજેતરમાં અકિલાની શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા અકિલા પરિવાર વતી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રાએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

સાહિત્ય - ગુજરાતી ભાષા અને તેના વારસા બાબતે ખૂબ જ ચિંતિત અને ઊંડાણથી ખેડાણ કરનાર આ મોટા ગજાના મુઠી ઉંચેરા માનવી શ્રી સુરેશભાઇ કોટકે કાઠિયાવાડનાં સાંસ્કૃતિક વારસા અંગે કહ્યું હતું કે કાઠિયાવાડી સાહિત્ય, ચારણી સાહિત્ય, દુહાઓ દ્વારા કાઠિયાવાડનું ખમીર પ્રગટ થાય છે. કાઠિયાવાડને ઝવેરચંદ મેઘાણી જેવા મેઘાવી વ્યકિતત્વ ધરાવતા લોકસાહિત્યકાર મળ્યા છે અને તેમની કલમ દ્વારા કાઠિયાવાડને પિછાન મળી છે. જે કદાપી ભૂલી શકાશે નહિ. કાઠિયાવાડનાં લેખકો, કવિઓ જેવાં કે શ્રી બળવંતભાઇ જાનીનાં પુસ્તકો મેં  વાંચ્યા છે, જેમાં કાઠિયાવાડી સાહિત્યની મહેક પ્રગટ થાય છે. 'કાઠિયાવાડ'ની પ્રજા હરહંમેશ શોૈર્યને વરેલી રહી છે અને દેશ-વિદેશમાં રહેતાં અમારા જેવા કાઠિયાવાડીઓ હરહંમેશ ગોૈરવ અનુભવે છે. દુહાઓનું સાહિત્ય તો અદ્દભુત છે. કચ્છનાં દુલેરાય કારાણી પણ કચ્છનો સાંસ્કૃતિક વારસો મુકી ગયા છે. આ ઉપરાંત કિશોરભાઇ વ્યાસનાં લેખો પણ પ્રેરક હોય છે.

સોૈથી મહત્વની વિડંબના એ છે કે નવી પેઢીનું વાંચન ઘટતું જાય છે. નવી પેઢી ગુજરાતી ભાષાને ભૂલતી જાય છે. ગુજરાતી તો આપણી માતૃભાષા છે તેને ભૂલશું તો સાંસ્કૃતિક વારસાથી કઇ રીતે માહિતગાર થશું? ભાષા તો જીવનની તસ્વીર છે અને જો તેને ન ઓળખીએ તો જીવનની સાચી ઓળખાણ કેવી રીતે થશે? તેમ શ્રી સુરેશભાઇએ જણાવ્યું હતું.

પૂજય ગુરૂદેવશ્રી રણછોડદાસજી બાપુનું સ્મરણ કરતાં શ્રી સુરેશભાઇ કોટક ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે પૂજય ગુરૂદેવની કાઠિયાવાડ ઉપર જબરી કૃપાદ્રષ્ટિ છે. પૂ. ગુરૂદેવ સાથેનું સ્મરણ કરતાં તેમણે જણાવ્યું હતું કે મારી બહેનનાં લગ્ન હતાં એ જ સમયે મને મગજમાં સોજો આવી જતાં 'કોમા'મા જતો રહયો હતો. ગંભીર સમસ્યા ઉભી થઇ હતી. એ સમયે પૂ. ગુરૂદેવે મને આશિર્વાદ આપતાં કહ્યું હતું કે આ બિમારીમાં તમે એકદમ સ્વસ્થ થઇ જશો, જે સત્યવચન સાબિત થયું હતું. શ્રી સુરેશભાઇ કોટકે જણાવ્યું હતું કે રાજકોટ કેળવણી મંડળ દ્વારા પૂ. ગુરૂદેવનાં નામથી ગ્રાન્ટેડ કોલેજ કાર્યરત છે અને દર વર્ષે ૧૦૦% પરિણામ આવે છેે. પૂ. ગુરૂદેવનાં નામ સાથે જોડાયેલી આ એકમાત્ર કોલેજ છે.

આ તબક્કે શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પણ પૂ. ગુરૂદેવને સ્પર્શતા કેટલાંક પ્રસંગોનું સ્મરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે પૂ. ગુરૂદેવ સમગ્ર પ્રજાનું કલ્યાણ થાય તે માટે જીવનના અંત સુધી કાર્યરત રહ્યા હતા અને તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અત્યારે નથી પણ તેમની કૃપાદ્રષ્ટિ નિરંતર રાજકોટ અને કાઠિયાવાડ પર છે. તેમણે પ્રારંભ કરેલા સમાજ -ઉપયોગી કાર્યો થયા જ કરે છે. ગુરૂદેવ પોતાને નિમિત બનાવી કાર્યો કરાવ્યા-સોંપ્યા તેની વાતો પણ કિરીટભાઇએ કરી હતી.

શ્રી સુરેશભાઇ કોટકે જણાવ્યું હતું કે તેઓ રોજ ૩ અંગ્રેજી તથા ર ગુજરાતી અખબારો વાંચે છે, જેમાં 'અકિલા' અચુક સામેલ હોય છે. તેમણે કહયું હતું કે ''હું'' 'અકિલા' વાંચુ છું ત્યારે 'કાઠિયાવાડ'નાં સમાચાર વાંચી ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું.'' અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે ''પત્રકારીત્વક્ષેત્રે આપનું ખૂબ જ મોટુ યોગદાન છે. પ્રજાનાં પ્રશ્નોને શબ્દશઃ 'વાચા' આપો છો. આપની નિર્ભયતા દાદ માંગી લે છે. તંત્રી લેખમાં થતું વિસ્તૃત વિશ્લેષણ સમાજ માટે પ્રેરક બની રહે છે. 'અકિલા LiveNews એ અખબારી જગત માટે નવું આયામ છે. આપની રજૂઆતને ૩૫ થી ૪૦ હજાર લોકો માત્ર ' Like' નહી પણ પ્રતિભાવો પણ આપે છે, જે પ્રતિભાવો સોૈ વાંચે છે અને સમાજને નવી દ્રષ્ટિ મળે છે. રાજકોટ કેળવણી મંડળની ટ્રસ્ટીમંડળની મિટીંગમાં જયારે-જયારે રાજકોટ આવું છું ત્યારે આપને મળવાની ઇચ્છા થાય છે અને આપ સમય ફાળવો છો. આપનું અનુભવ-વિશ્વ ખુબ જ વિશાળ છે અને આપની સાથેની  મુલાકાતથી ઘણી જ પ્રસન્નતા અનુભવું છું. હું મારી જાતને માત્ર સાહિત્યરસિક જ ગણું છું. બિઝનેસક્ષેત્રે સક્રિય છું પણ સાથોસાથ રાજકોટની તથા મુંબઇની ઘણી શેૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છું. આપની સાથેની મૂલાકાત થકી મને ઘણું જાણવા પણ મળે છે.''

શ્રી સુરેશભાઇ કોટકની શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની મિટીંગમાં રાજકોટ કેળવણી મંડળનાં ઉપ પ્રમુખશ્રી નવીનભાઇ ઠક્કર તથા શ્રી દુષ્યંત ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં.

અકિલાના તસ્વીરકાર સંદિપ બગથરીયાએ ઝડપેલ લાક્ષણિક તસ્વીરોમાં શ્રી સુરેશભાઇ કોટક સાથે સર્વશ્રી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા, રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી પરિમલભાઇ નથવાણી, શ્રી નવીનભાઇ ઠક્કર, શ્રી દુષ્યંત ઠક્કર વિ. નજરે પડે છે. નીચેની તસ્વીરમાં પૂ. ગુરૂદેવ રણછોડદાસજી મહારાજના પવિત્ર માથાના વાળ તેઓ ભાવપૂર્વક નિહાળી માથે ચઢાવી રહેલ નજરે પડે છે. (શ્રી સુરેશભાઇ કોટક - ફોન નં. (૦૨૨) ૨૨૦૭૯૯૮૫) (૨૧.૨૫)

(4:31 pm IST)