Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

તું મરી જા તો મને કોઇ ફેર પડતો નથી...કહી રણજીત કોળીએ પત્નિ કિરણને જીવતી સળગાવી

નશો કરી ગાળો બોલતો હોઇ પત્નિએ 'આજુબાજુવાળા સાંભળે છે, અપશબ્દો ન બોલો' તેમ સમજાવતાં ઉશ્કેરાઇ ગયોઃ કુવાડવાના નાગલપર ગામનો બનાવઃ પરમ દિવસે કુવાડવાના દવાખાને સારવાર અપાવી ઘરે ગયા બાદ માવતરને જાણ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાઇઃ કુવાડવા પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યોઃ યુવતિના માવતર રાજકોટ વેલનાથપરામાં રહે છે

રાજકોટ તા. ૫: કુવાડવા તાબેના નાગલપર ગામમાં કોળી પરિણીતાને દારૂડીયા પતિએ જીવતી સળગાવી દેતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. દારૂ ઢીંચી પતિ ગાળાગાળી કરતો હોઇ પત્નિએ આ રીતે અપશબ્દો ન બોલો, આજુબાજુવાળા સાંભળે છે તેમ કહી સમજાવતાં તે ઉશ્કેરાયો હતો અને તું મરી જા તો મને કોઇ ફેર નથી પડતો તેમ કહી કેરોસીન છાંટી સળગાવી દીધી હતી. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

નાગલપરમાં રહેતી કિરણબેન રણજીત ગોઢાણીયા (ઉ.૩૦)ને ગઇકાલે ગંભીર રીતે દાઝેલી હાલતમાં કુવાડવા પ્રાઇવેટ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં પી.આઇ. એ.આર. મોડીયા, હિરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, એએસઆઇ ફતેહસિંહ સોલંકી સહિતનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો અને કિરણબેનની કથની સાંભળ્યા બાદ તેની ફરિયાદ પરથી તેના પતિ રણજફીત કેશુભાઇ ગોઢાણીયા સામે આઇપીસી ૩૦૭ મુજબ ગુનો નોંધ્યો હતો.

કિરણબેને જણાવ્યું હતું કે તેના લગ્ન અગિયાર વર્ષ પહેલા રણજીત ગોઢાણીયા સાથે થયા છે. તેના માવતર રાજકોટ મોરબી રોડ પર વેલનાથપરામાં રહે છે. માતાનું નામ સમજુબેન અને પિતાનું નામ રાયસીંગભાઇ ચારોલા છે. પોતાને સંતાનમાં બે પુત્ર અમિત (ઉ.૯) અને ભુમિત (ઉ.૮) છે. પરમ દિવસે રાત્રે દસેક વાગ્યે પોતે વાસણ માંજતી હતી ત્યારે પતિએ સુતા-સુતા ગાળો બોલવાનું ચાલુ કરતાં તેણીએ આ રીતે ગાળો ન બોલો, આજુબાજુવાળા સાંભળે છે તેમ કહી સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઉભો થઇ મારવા દોડતાં તે દોડીને ઓસરીમાં જતી રહી હતી.

ત્યાં પતિ રણજીત પાછળ આવ્યો હતો અને મારે તને જોઇતી જ નથી, તું મરી જા તો મને કોઇ ફેર પડતો નથી તેમ કહી ત્યાં પડેલી પ્લાસ્ટીકની બોટલમાંથી કેરોસીન છાંટી દઇ દિવાસળી ચાંપી દીધી હતી. બાદમાં તેના દિકરા અમિતે દોડી આવી આગ બુઝાવી હતી. પોતે હાથ ગળા અને છાતી તથા પેટના ભાગે દાઝી ગઇ હતી. અમિતે પડોશીને બોલાવ્યા હતાં અને તેણે તેના સાસુ-સસરાને બોલાવી કુવાડવા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જઇ સારવાર કરાવી હતી અને બાદમાં ઘરે લઇ ગયા હતાં. ગઇકાલે તેણીના સાસુએ રાજકોટ માવતરને જાણ કરી હતી અને બાદમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. (૧૪.૬)

 

(12:09 pm IST)