Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સ્વાઇન ફલૂના 'પંજા'નો ૧૩મો 'શિકાર': જેતપુરના ધોબી મહિલાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત

શહેરમાં આજે કુલ ૩૭ દર્દી સારવાર હેઠળઃ ૮ દર્દી સિવિલ હોસ્પિટલમાં, બાકીના ખાનગીમાં: એકનો રિપોર્ટ બાકી

રાજકોટ તા. ૫ : સ્વાઇન ફલૂનો ફૂંફાડો યથાવત રહ્યો છે. વધુ એક દર્દીનો ભોગ લેવાયો છે અને તે સાથે રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૧૩ થયો છે. જેતપુરના ધોબી મહિલાનું મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. શહેરમાં આજે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ ૩૭ દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી સિવિલમાં ૮ દર્દી દાખલ છે, અને એકનો રિપોર્ટ આવવાનો બાકી છે.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જેતપુરના ૫૦ વર્ષના ધોબી મહિલાનું રાત્રીના સવા વાગ્યા આસપાસ મોત નિપજ્યું છે. આ મહિલાનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ હતો. તેમને તા. ૨૧/૯ના રોજ સ્વાઇન ફલૂની શંકા સાથે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સઘન સારવાર અપાઇ રહી હતી. પરંતુ ગત રાત્રે તેમણે અંતિમશ્વાસ લેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર મહિલાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રીના લગ્ન થઇ ગયા છે. બનાવથી ધોબી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. સિવિલ હોસ્પિટલમાં આજે ૮ દર્દી સારવાર હેઠળ છે અને એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે.

જે દર્દીઓ દાખલ છે તેમાં રાજકોટ, ગોંડલ, જેતપુર, કોટડા, ઉપલેટા, જામનગર, ધોરાજી, જસદણ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગરના દર્દીઓ સામેલ છે. ગઇકાલે જેને રજા અપાઇ હતી તેમાં જેતપુર અને સુરેન્દ્રનગરના દર્દીનો સમાવેશ થાય છે. કુલ ૩૭ દર્દી દાખલ છે તેમાં ગ્રામ્ય વિસ્તારના ૧૩, રાજકોટના આઠ અને અન્ય જીલ્લાના ૧૬ દર્દીઓનો સમાવેશ છે. (૧૪.૫)

(11:42 am IST)