Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મારૂતિનંદન હાઉસીંગ સોસાયટીના કબજા ધારકો અનેપાવર ઓફ એટર્ની હોલ્‍ડરોને દસ્‍તાવેજ કરી આપો

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મીત: રહેવાસીઓનું કલેકટરનેઆવેદનઃ વિસ્‍તૃત રજૂઆત

રાજકોટ તા. પઃ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મીત મારૂતિનંદન હાઉસીંગ સોસાયટીના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી કબ્‍જા ધારકો અને પાવર ઓફ એટર્ની હોલ્‍ડરને દસ્‍તાવેજ કરી આપવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ઘંટેશ્‍વર, ડાંગર કોલેજની પાછળ હાઉસીંગ કોલોની ઇડબ્‍લ્‍યુએસ ૧૦૪૦ની યોજના સને ૧૯૯ર-૯૩ અમલમાં મુકેલ હતી. અને તેના મુળ ફાળવણીદારોને કવાર્ટર ફાળવવામાં આવેલ હતા. પરંતુ ત્‍યારબાદ મુળ ફાળવણીદારો દ્વારા સદરહું કવાર્ટરનો ઉત્તરોત્તર વેચાણ નોટરી સમક્ષ વેચાણ કરાર અને કુલમુખત્‍યારનામા દ્વારા કરીને કરવામાં આવેલ છે. અને હાલમાં સદરહું કવાર્ટરના કબ્‍જેદાર તેના છેલ્લા ખરીદનારાઓ છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તેના તમામ કવાર્ટર ધારકોને જેના હપ્‍તા ભરપાઇ થઇ ગયેલ હોય તેના દસ્‍તાવેજો કરી આપવામાં આવે છે. જેથી અમો કવાર્ટર ધારકો પણ ગુજરાત હાઉસીંગ બોર્ડની કચેરીએ રજુઆત કરીને હાલના કબ્‍જેદારોને દસ્‍તાવેજ કરી આપવા રજુઆત કરેલ હતી. પરંતુ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા એવું કહેવામાં આવેલ છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ ફકત તેના મુળ ફાળવણીદારોના નામે જ દસ્‍તાવેજ કરી આપવા બંધાયેલ છે તેના હાલના કબ્‍જેદારોને દસ્‍તાવેજ કરી શકે નહીં.

જેથી આપને અરજ કરીએ છીએ કે ગરીબ અને મધ્‍યમ વર્ગના માણસો છીએ. અમોએ અમારી લોહી પાણી એક કરીને જે મરણમુડી બચાવેલ હતી તે કમાણીમાંથી નોટરી સમક્ષ વેચાણ કરાર અને કુલમુખત્‍યારનામા કરીને અમારા રહેવા માટેનો આશરો કરેલ છે. જેથી અમોને અમારા હાલના કબ્‍જા ધારકો કે જેમણે ગુજરાત હાઉસીંગ બોર્ડના હપ્‍તા ભરપાઇ કરી આપેલ હોય તેને ડોકયુમેન્‍ટની ખરાઇ કરીને તેના નામ જોગના દસ્‍તાવેજ કરી આપવા અમારી અરજ છે.

(4:11 pm IST)