Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વારસાઇ નોંધ રદ કરવા અંગે થયેલ અપીલ નામંજુરઃ નાયબ કલેકટરનો અગત્યનો ચુકાદો

રાજકોટ તા. પઃ અત્રે વારસાઇ નોંધ રદ કરવાની અપીલ નામંજુર કરીને વારસાઇ એન્ટ્રી ઉપર નાયબ કલેકટરે અગત્યનો ચુકાદો આપેલ હતો.

રાજકોટના રહીશ ભગવાનદાસ આત્મારામ સચાણીએ રામનાથપરા, બહુચર નાકાની અંદર આવેલ સચાણી હાઉસવાળી મીલકતમાં કવિતાબેન ખેરાજભાઇ સચાણી તથા ગૌતમભાઇ ખેરાજભાઇ સચાણીના નામે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ દાખલ થતા તેની સામે નાયબ કલેકટર સમક્ષ વારસાઇ નોંધ રદ કરવા માટેની અપીલ દાખલ કરેલ હતી.

સદરહું અપીલમાં ભગવાનદાસ આત્મારામ સચાણીએ એવી તકરાર લીધેલ હતી કે સદરહું મીલકત આત્મારામભાઇ ઉર્ફે આતુમલ દેવુમલ સચાણીના નામની આવેલ હતી અને તેમનું અવસાન થતા ખેરાજભાઇ આત્મારામ તથા ભગવાનદાસ આત્મારામે સંયુકત રીતે હેરશીપ સર્ટી. મેળવેલ હતું. જેમાં ખેરાજભાઇનું અવસાન થતા તેમના વ્યકિતગત અધિકારોનો અંત આવતો હોય અને આ હકક વારસાગત ન હોય જેથી કવિતાબેન તથા ગૌતમભાઇના નામે જે વારસાઇ નોંધ પ્રમાણીત કરવામાં આવેલ છે તે રદ કરવા અપીલ દાખલ કરેલ હતી.

આ કામે કવિતાબેન સચાણી તથા ગૌતમભાઇ સચાણી વતી એવો બચાવ લેવામાં આવેલ હતો કે સદરહું સીટી સર્વે નંબર વાળી મીલકતમાં ઇન્કવાયરી ઓફીસરના ઠરાવ દ્વારા ધારણકર્તા તરીકે આત્મારામ ઉર્ફે આતુમલ દેવુમલ સચાણીનું નામ દાખલ થયેલ અને તેમનું અવસાન થતા તેમના વારસદાર દરજજે તથા કોર્ટમાંથી હેરશીપ સર્ટી. મેળવી ખેરાજભાઇ અતુમલભાઇ સચાણીનું નામ દાખલ થયેલ અને કવિતાબેન તથા ગૌતમભાઇ, ખેરાજભાઇ આતુમલ સચાણીના સીધી લીટીના વારસદારો હોય તેમના નામે જે વારસાઇ નોંધ પ્રમાણીત થયેલ છે તે રદ થઇ શકે નહીં અને માલીકી હકક બાબતની તકરાર હોય તો તે અંગેની તકરારનું નિવારણ યોગ્ય હકુમતવાળી દિવાની કોર્ટમાંથી યોગ્ય હુકમ મેળવીને નિર્ણય કરી શકાય.

સદરહું અપીલમાં કવિતાબેન તથા ગૌતમભાઇ વતી જે રજુઆત કરવામાં આવેલ હતી તે ગ્રાહય રાખી નાબય કલેકટરશ્રી, રાજકોટ શહેર પ્રાંત-૧ ના એ ભગવાનદાસ આત્મારામ સચાણીની અપીલ નામંજુર કરેલ હતી. આ કામે કવિતાબેન સચાણી તથા ગૌતમભાઇ સચાણી વતી રાજકોટના વકીલશ્રી વિપુલ આર. ભટ્ટ રોકાયેલ હતા.

(3:10 pm IST)