Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ન્યારી ડેમે માછલી પકડવા ગયો ને મોત મળ્યું: લોધેશ્વર સોસાયટીનો જીતુ ઝરીયા મિત્રોની નજર સામે જ ડૂબ્યો

બે મિત્રોએ બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો પણ સારવાર કારગત ન નિવડીઃ લોધા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: મોત કયારે કયાંથી અને કેવી રીતે ટપકી પડે તેની ખબર પડતી નથી. લોધેશ્વર સોસાયટીનો લોધા યુવાન રાતે ન્યારી ડેમે માછલી પકડવા જતાં  બે મિત્રોની નજર સામે જ ડૂબી જતાં કાળનો કોળીયો બની ગયો હતો.

જાણવા મળ્યા મુજબ લોધેશ્વર સોસાયટી-૨માં રહેતો જીતુભાઇ ગજેન્દ્રભાઇ ઝરીયા (લોધા) (ઉ.વ.૪૦) ગત સાંજે બે મિત્રો સાથે ન્યારી ડેમે માછલી પકડવા ગયો હતો. મિત્રો કાંઠે ઉભા હતાં અને જીતુ પાણીમાં થોડે આગળ ગયો હતો. એ વખતે ઉંડાણથી અજાણ હોઇ ડૂબવા માંડ્યો હતો. બે મિત્રોમાંથી એકને તરતા આવડતું હોઇ તેણે ધ્યાન પડતાં તુરત જ અંદર કુદી જીતુને બહાર ખેંચી લીધો હતો. પરંતુ પાણી પી જતાં બેભાન થઇ ગયો હતો. બંને મિત્રોએ ૧૦૮ને ફોન કર્યો હતો અને રિક્ષા મારફત હોસ્પિટલે ખસેડવા તજવીજ કરી હતી. એ દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સ આવી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.

મૃત્યુ પામનાર જીતુભાઇ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પત્નિનું નામ દક્ષાબેન છે. સંતાનમાં આઠેક વર્ષનો પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. અરવિંદભાઇ કવાડીયા અને રમેશભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

લોધેશ્વર સોસાયટીમાં એક જ દિવસમાં બે અપમૃત્યુઃ એક લોધા યુવાને આપઘાત કર્યો, બીજો ડૂબી ગયો

.લોધેશ્વર સોસાયટીમાં બાર કલાકમાં જ અપમૃત્યુના બબ્બે બનાવ બનતાં લોધા સમાજમાં શોક છવાઇ ગયો છે. ગઇકાલે એક લોધા યુવાન રમેશભાઇ ગુલાબભાઇ પતરીયા (ઉ.૪૦)એ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હતો. ત્યાં જીતુભાઇનું ડુબી જતાં મોત થયું છે.

(12:52 pm IST)