Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

એરપોર્ટ ફાટક પાસેથી ૮ વર્ષની બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવા અંગે આરોપીની જામીન અરજી રદ્દ

આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છેઃ પ્રશાંત પટેલ

રાજકોટ, તા. ૫ :. અહીંના એરપોર્ટ ફાટકથી ભોમેશ્વર તરફ જવાના રસ્તા ઉપરથી ૮ વર્ષની બાળકીને ઘરે મુકી જવાનુ કહી મોટર સાયકલ ઉપર અવાવરૂ જગ્યાએ લઈ જઈને મારકુટ કરી છરીના ઉંધા ઘા મારી બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ અને જેલ હવાલે થયેલા અહીંના યુનિ. રોડ ઉપર સાધુ વાસવાણી રોડ નટરાજનગર મફતીયાપરામાં રહેતા આરોપી બાબુ દેવરાજ બાંભવાએ ચાર્જશીટ બાદ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી બ્રહ્મભટ્ટે નકારી કાઢી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે તા. ૧૩-૧૦-૧૯ના રોજ મૂળ મધ્યપ્રદેશના અને રાજકોટમાં ચોકીદારીનું કામ કરતા ફરીયાદીની સગીર પુત્રીને આરોપી મોટર સાયકલ ઉપર ભગાડી ગયો હતો અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને મારકુટ કરીને બળાત્કાર ગુજારેલ હતો.

આ બનાવ અંગે મહિલા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને જેલહવાલે કરતા આરોપીએ જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ પ્રશાંત પટેલે રજૂઆત કરેલ કે આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. માત્ર ૮ વર્ષની કુમળી વયની બાળકીની જીંદગી બરબાદ કરી ગંભીર ગુનો કરેલ હોય જામીન અરજી રદ કરવી જોઈએ.ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને એડી. સેસ. જજ શ્રી બ્રહ્મભટ્ટે આરોપીની જામીન અરજીને રદ્દ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા.

(2:56 pm IST)