Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

પરપ્રાંતીય શ્રમિકોને યુ.પી. મોકલવાનો તમામ ખર્ચ કાનુડા મિત્ર મંડળ દ્વારા અપાયો

પરપ્રાંતીયોને મોકલવા વધુ ખર્ચ આપવા મંડળ તૈયાર : તમામને નાસ્તો પણ કરાવ્યો : વિદાય વખતે શ્રમિકોના આંખમાંથી હર્ષના આંસુ વહ્યા

રાજકોટ, તા. ૫ : બલીયા (યુ.પી.)ના અને રાજકોટ શહેરમાં કામ કરતાં શ્રમિકોની ટીકીટ પ્રતિ ટીકીટ રૂ.૭૨૫ લેખે ૧૨૦૦ શ્રમિકોની કુલ રૂ.૮,૭૦,૦૦૦ રોકડા કાનુડા મિત્ર મંડળ દ્વારા રાજકોટ રેલ્વેમાં રાત્રે નવ વાગ્યે ટીકીટ લઈને કલેકટર વહીવટી તંત્રને સહકાર આપ્યો હતો.

એટલુ જ નહિં પણ તમામ પરપ્રાંતીય કામદારોને માસ્ક તેમજ સવારે વિદાય વખતે ચા - બિસ્કીટ તેમજ વેફર્સ, ગાંઠીયા, સેવમમરા વગેરે તેમજ ૨ લીટર પાણીની બોટલ તમામ શ્રમિકોને વ્યકિતગત આપવામાં આવી હતી.

આજરોજ વહેલી સવારે રાજકોટ ૩:૩૦ વાગ્યાથી આશરે ૪૦ સીટી બસ અલગ અલગ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને બસ મારફત મેડીકલ ચેકઅપ પોલીસ દ્વારા કરાવ્યા બાદ રેલ્વે સ્ટેશન ખાતે ૨૦૦થી વધુ પોલીસ જવાનો દ્વારા રાજકોટ જંકશનને કોર્ડન કરીને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખીને શાનદાર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ટ્રેનને રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનને સવારે ૬ વાગ્યે વિદાય આપેલ હતી. રેલ્વેનો તમામ અધિકારી શ્રી કલેકટર સહિત અધિકારીઓઅને પોલીસ અધિકારીઓ તથા કાનુડા મિત્ર મંડળના અનિલભાઈ દેસાઈ, કેતનભાઈ પટેલ, કલ્પેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, ગજેન્દ્રભાઈ રાઠોડ, પીયુષભાઈ મહેતા, કૃષાલ મણીયાર તથા રાકેશભાઈ રાજદેવ અને રૂપલબેન રાજદેવ સહિતનાએ ઉપસ્થિત રહી શ્રમિકોનો આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને ખૂબ જ ભાવવાહી દૃશ્યો સર્જાયા હતા.

(2:55 pm IST)