Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

ગુરૂવારે બુધ્ધ પૂર્ણિમાઃ અનુયાયીઓ ઘરે ઘરે ઉજવણી કરશે

સફેદ વસ્ત્ર પરિધાન કરી તથાગત બુધ્ધ અને ડો. આંબેડકરજીના ફોટા સામે દીપ-મીણબતી પ્રગટાવી વંદના કરાશે

રાજકોટ : બૌધ્ધ જગતમાં વૈશાખી પૂર્ણિમાને ત્રિગુણી પાવન બુધ્ધ પૂર્ણિમાં કહેવામાં આવે છે.   આગામી તા. ૭ ના ગુરૂવારે આ અવસર છે. આ દિવસે તથાગત બુધ્ધનો જન્મ હિમાલયની તળેટીના લુંબિની વનમાં શાલ વૃક્ષ નીચે થયો હતો. તેમને બોધિ પ્રાપ્તિ વૈશાખી પૂર્ણિમાએ બોધ ગયામાં બોધિવૃક્ષ (પીપળા) નીચે થઇ હતી. તેમનું મહાપરિનિર્વાણ વૈશાખી પૂર્ણિમાએ કુશીનગરમાં શાલ વૃક્ષની નીચે થયુ હતુ. આમ આ દિવસે ત્રણ ત્રણ પાવન પ્રસ઼ગોનો ત્રિવેણી સંગમ રચાયો હોવાથી આ દિવસનું વિશેષ મહત્વ બની રહ્યુ છે. યુનો જેવી વિશ્વ સંસ્થા પણ આ દિવસે રજા પાળી આ પર્વને શાંતિ પર્વ તરીકે ઉજવે છે.

વર્તમાન સમયમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઇ છે. ત્યારે બૌધ્ધ અનુયાયીઓ કાલે બુધ્ધ પૂર્ણિમાની ઉજવણી ઘરમાં જ રહીને સંયમ પૂર્વક કરશે. બૂધ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓ સફેદ વસ્ત્ર પરિધાન કરી તથાગત બુધ્ધ અને ડો. બાબા સાહેબ આંબેડકરના ફોટા - પ્રતિમા સમક્ષ કેન્ડલ કે દીપ પ્રગટાવી વંદના કરશે. પ્રાણી માત્રના કલ્યાણ માટે તથાગત બુધ્ધના ઉપદેશને યાદ કરાશે અને વિશ્વ શાંતિ માટે મંગલકામના કરાશે. ખાસ કરીને સૌને ઘરે જ રહેવા અને ઘરમાં જ ઉજવણી કરવા વોટસએપ, ફેસબુક, ટવીટર જેવા સોશ્યલ મિડીયા દ્વારા અપીલો કરાઇ છે.

ખાસ કરીને હાલ દેશ અને વિશ્વ કોરોના મહામારીથી વ્યથિત છે. ત્યારે સમસ્ત બૌધ સંઘ દુઃખ અને આઘાતની લાગણી વ્યકત કરેછે. આ મહામારીમાંથી લોકો બચી જાય. જે લોકો સંક્રમિત થયા છે તે જલ્દી સાજા થાય. કોરોના યોધ્ધા એવા ડોકટર્સ, મેડીકલ સ્ટાફ, પોલીસ, સફાઇ કર્મચારીઓ વગેરેના કુશળ સ્વાસ્થ્યની મંગલ કામના કરે છે.

બૌધ્ધ ધમ્મ એ બુધ્ધિજીવીઓનો ધર્મ છે. પ્રખ્યાત લેખક ચંદ્રકાન્ત બક્ષી કહે છે કે ૫ હજાર વર્ષના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ભારતીય ગૌતમ બુધ્ધ છે. સિધ્ધાર્થ ગૌતમથી બુધ્ધ સુધીની એમની વિચારયાત્રા ભારતવર્ષના ઇતિહાસના પવિત્ર પૃષ્ઠો છે. ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તક 'ધ મેકર્સ ઓફ ધ યુનિવર્સ' માં છેલ્લા ૧૦ હજાર વર્ષ દરમિયાન વિશ્વમાં નોંધનીય પ્રદાન કરેલ હોય તેવા ૧૦૦ મહાનુભાવોની યાદી બહાર પાડી છે. જેની પ્રશંસા સમગ્ર વિશ્વએ કરી છે. આ યાદીમાં ગૌતમ બુધ્ધ સર્વ પ્રથમ સ્થાને અને ડો. આંંબેડકરજી ચતુર્થ સ્થાને છે. જગતને અહીંસા, પ્રેમ, કરૂણા, સમાનતા, સ્વતંત્રતા, બંધુતાનો માર્ગ બતાવનાર બુધ્ધ મહાન હતા. આજે વિશ્વના શકિતશાળી દેશ એવા જાપાન, ચીન સહીત ૪૧ દેશ બૌધ્ધ રાષ્ટ્રો છે. જયાં સંપૂર્ણ રીતે બૌધ્ધ ધર્મ પાળવામાં આવે છે.

- સંઘસેન બૌધ્ધ,

સંયોજક બૌધ્ધ સંઘ રાજકોટ, મો.૯૭૧૨૯ ૯૩૧૩૫

(2:50 pm IST)