Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

લોકડાઉનમાં રીક્ષાચાલકોના મીટર પણ ડાઉન

આર્થિક તંગીમાં ફસાયા રીક્ષાચાલકોઃ વ્હારે આવવા તંત્ર સમક્ષ ગુહાર

રાજકોટ,તા.૫: કોરોના વાયરસનો કહેર જારી છે. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે ૨૪ કલાક રસ્તાઓ ઉપર દોડતી રીક્ષાઓના પૈડા પણ થંભી ગયા છે. લોકડાઉનના પગલે રીક્ષાચાલકોની આર્થિક હાલત પણ ખરાબ થઈ ગઈ છે. રાજકોટ શહેરમાં રીક્ષાચાલકો રોજુે રોજ  કમાઈ પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. આવા લોકોની વ્હારે આવવું જરૂરી બન્યું છે.

જેમ- જેમ લોકડાઉનના દિવસો પસાર થઈ રહ્યા છે. તેમ રીક્ષાચાલકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ બનતી જાય છે. આગામી દિવસોમાં લોકડાઉન ખુલશે તો વિજબીલ, મકાન ભાડુ, સ્કૂલની ફ્રી, રીક્ષાનું ભાડુ વિ. પરેશાનીઓનો સામનો કરવો પડશે. એકસાથે આટલા બધા ખર્ચાઓ કાઢવા રીક્ષાચાલકો લોકડાઉન ચાલુ હોય રીક્ષાચાલકોની આવક તો બંધ છે હજુ લોકડાઉન લંબાયુ છે.

રાજકોટ શહેરમાં હજારોની સંખ્યામાં રીક્ષાચાલકો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ પાસે રીક્ષા ચલાવવા સિવાય આવકનો કોઈ અન્ય સ્ત્રોત નથી. આવા લોકોની સરકારે આર્થિક મદદ કરવી જોઈએ. જેથી તેઓની આર્થિક સ્થિતિમાં થોડો ઘટાડો થાય. અમુક રીક્ષાચાલકો બાળકોને સ્કૂલે તેડવા- મુકવાનું પણ કાર્ય કરતા હોય છે. પરંતુ હાલમાં શાળાઓ પણ બંધ હોય કોઈ- કોઈ વાલીઓ મહિનાનું ભાડુ આપતા હોય  અને કોઈ વાલીઓ ન પણ આપતા હોય. આમ રીક્ષાચાલકોની આર્થિક હાલત કફોડી બનતા તંત્ર સમક્ષ સહાયની અપીલ કરાઈ છે.

(2:47 pm IST)