Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

૬૫ વર્ષના દીક્ષા પર્યાયધારી પૂ.જયોત્સનાબાઇ મહાસતીજીનો ઇન્દ્રપ્રસ્થનગરમાં સંથારાનો ચોથો દિવસ

રાજકોટ તા.૫: શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થા.જૈન સંઘ-મહેતા જૈન ઉપાશ્રયે પૂ.શ્રી ધીરગુરૂદેવે પ્રવચનમાં ૬૫ વર્ષના દીક્ષા પર્યાયધારી બા.બ્ર.પૂ.જયોત્સનાબાઇ મ.સ.ના ચતુર્થ દિવસના સંથારાની અનુમોદના કરતા જણાવેલ કે શૂરવીર બન્યા વિના સંથારા થઇ શકે નહિ સહજાનંદી શુધ્ધ સ્વરૂપ અવસ્થામાં મહાસતીજી ઝુલી રહ્યા છે. પૂ.નર્મદાબાઇ મ.સ., પૂ.પુષ્પાબાઇ મ.સ., પૂ.જયોતિભાઇ મ.સ., પૂ.સોનલભાઇ મ.સ., પૂ.હસ્મિતાબાઇ મ.સ.આદિ, પૂ.પુનિતાજી મ.સ.આદિ તથા બોટાદના પૂ.અરૂણાબાઇ મ.સ.આદિ વેયાવચ્ચમાં સહભાગી છે.

સંથારા યાત્રા અનુમોદનાનો ભાવિકો લાભ લઇને ધન્ય બની રહ્યા છે. પૂ.અમિતાજી મ.સ. એડનવાલા આરાધના ભવનમાં પધાર્યા છે.

પૂ.શ્રી ધીરગુરૂદેવે ગોરૈયા તરફ વિહાર કરેલ છે. સંથારાના દર્શનાર્થીઓને સવારે ૮ થી ૧ અને બપોરે ૪ થી ૭ લાભ લેવા વિનંતિ  જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા (૯૮૨૪૧ ૧૪૪૩૯)એ જણાવેલ કે સંથારો એ સાધક જીવનની સર્વ શ્રેષ્ઠ સાધના છે...

પરમ પૂણ્યશાળી આત્મા હોય તેના જ ત્રણેય મનોરથ પરિપૂર્ણ થતાં હોય છે..

મૃત્યુને પરમ મિત્ર તરીકે સ્વીકારી અંતિમ ક્ષણોને પરમ મહોત્સવમાં પરિવર્તીત કરનાર આત્માને કોટિ કોટિ વંદન.

ચતુર્વિધ સંઘનો ત્રીજો મનોરથ એક સરખો હોય છે...

દરેક ભવ્ય આત્મા આ ત્રણ મનોરથનું ચિંતન - મનન કરી ભાવના ભાવતા હોય છે,ત્રીજો મનોરથ ચતુર્વિધ સંઘનો એક સરખો હોય છે.

ધર્મ પાલન કરવા માટે પણ જયારે આ શરીર અસમર્થ બની જાય અને મૃત્યુ નજીક દેખાય ત્યારે સંગ્રામે ચડેલા શૂરવીર યોધ્ધાની જેમ કર્મો સામે કેસરીયા કરવા તૈયાર થઈ શરીર રૂપ સાધન દ્રારા ભવ્ય આત્મા સંલેખના કરે છે.આલોચના,નિંદા,ગર્હા,ક્ષમાપના, ભાવના તેમજ પ્રાયશ્યિત દ્રારા આત્મ શુધ્ધિ કરવા અહિંસક શ સ્ત્રોથી સજ્જ થઈ જાય છે.

હસતાં - હસતાં પ્રસન્ન ચિત્ત્।ે મૃત્યુને લલકારે છે કે મેં મારુ કાર્ય કરી લીધું છે,હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે. હવે,જીવવાનો મોહ નથી અને મૃત્યુની દરકાર નથી.સંથારાના પચ્ચખાણ લઈ જીવનની સર્વ શ્રેષ્ઠ સાધનામાં લાગી જાય છે.ત્રીજા મનોરથની સાધના શ્રાવક - શ્રાવિકાઓ પણ કરી શકે છે.જૈન આગમ શ્રી ભગવતી સૂત્ર શતક ૧૧ ઉ.૧૨ માં વરૂણ નાગ - નટુવા નામના શ્રાવક સંથારો અંગીકાર કરે છે તેવો ઉલ્લેખ છે.આ ઉપરાંત શ્રમણોપાસક ઋષિભદ્ર પુત્ર, આનંદ આદિ શ્રાવક,રાજા પરદેશી,રાજા બલ,મહા બલ,પાંચ પાંડવ,જાલીકુમાર આદિ ૨૩ કુમારો જૈન શા સ્ત્રોમાં આવા ઘણા દ્રષ્ટાંતો ઉપલબ્ધ છે.પૂ.સાધુ - સાધ્વીજીઓએ અનશન વ્રત અંગીકાર કર્યાનો ઉલ્લેખ આગમોમાં અનેક જગ્યાએ જોવા મળે છે.એટલા માટે જ કહેવાય છે કે સંથારો એ સાધક જીવનની સર્વ શ્રેષ્ઠ સાધના છે.

મૃત્યુને બરાબર જાણી લેવાથી મૃત્યુનો ભય અને દુઃખ મટી જાય છે.અનંત શકિતનો ધારક એવા આત્માની સત્તાને સમજવાથી સદ્દબોધ થાય છે. જીવવું ખાટે પણ મરવુ તો પાટે જ...એટલે કે જન્મ ભલે ખાટલા કે પલંગમા થાય પરંતુ મારૂ મરણ તો દેવાધિદેવની પાટ ઉપરથી જ થવું જોઈએ.જન્મ ભલે સૂતા - સૂતા થાય પરંતુ મારુ મરણ તો બેઠા - બેઠા થવું જોઈએ.જન્મ વખતે ભલે કદાચ બે - પાંચ વ્યકિત હાજર હોય પરંતુ મારા મરણની ઘડીએ ચતુર્વિધ સંઘની ઉપસ્થિત હોય.જયારે ખબર જ પડી જાય કે આ દેહ હવે બહુ સાથ આપવા અસમર્થ છે ત્યારે હોસ્પિટલમાં આઈ સી યુ માં શરીરમાં ચારે બાજુ નળીઓ ભરાવેલી હોય એના કરતાં નમસ્કાર મહા મંત્રનું સ્મરણ ચાલુ હોય,ચત્તારી શરણં પવજ્જામિના પ્રચંડ નાદ ગૂંજતા હોય.જગતના દરેક જીવાત્માઓને ખમાવી,દિવ્ય અને ભવ્ય ધર્મમય માહોલમાં આ દેહરૂપી પિંજરામાંથી આત્મા વિદાય લે તેનાથી બીજી શ્રેષ્ઠ ક્ષણ કઈ હોય શકે ?

(3:48 pm IST)