Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

પત્નિને ફોન-મેસેજ કરી હેરાન કરતાં દક્ષને સમજાવવા ગયેલા નિખીલ પટેલ પર હુમલો

મધુરમ્ પાર્કના યુવાનની કેવડાવાડીના દક્ષ, પ્રવિણ અને અશોક રામાણી સામે ફરિયાદઃ વચ્ચે પડેલા ભાઇ અંકુરને પણ ઇજા

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ પર માસ્તર સોસાયટી પાસે મધુરમ્ પાર્ક-૩માં રહતાં અને સ્ક્રેપનો ધંધો કરતાં નિખીલ વિનોદભાઇ સોરઠીયા (ઉ.૩૧) નામના પટેલ યુવાનના પત્નિને દક્ષ રામાણી નામનો શખ્સ ફોન કરી મેસેજ કરી હેરાન કરતો હોઇ જેથી તેને સમજાવવા જતાં તેણે બીજા બે જણા સાથે મળી નિખીલ પર હુમલો કરી ઢીકા-પાટુનો અને સળીયાથી માર મારી તેમજ તેના ભાઇ અંકુરને પણ હાથના કાંડા પર ધોકો ફટકારી દેતાં ફરિયાદ થઇ છે.

ભકિતનગર પોલીસે નિખીલ સોરઠીયાની ફરિયાદ પરથી દક્ષ રામાણી, પ્રવિણ રામાણી અને અશોક રામાણી (રહે. ત્રણેય કેવડાવાડી-૧૬) સામે ગુનો નોંધ્યો છે. નિખીલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પત્નિ જનીશાને દક્ષ રામાણી ઘણા સમયથી ફોન કરીને તેમજ ફેસબૂકમાં મેસેજ કરી હેરાન કરતો હોઇ ગઇકાલે પોતે તથા ભાઇ અંકુર અને સાળો વિરાજ સખીયા કેવડાવાડી-૧૬માં દક્ષને સમજાવવા તેના ઘરે ગયા હતાં. ત્યારે તેણે લાજવાને બદલે ગાજતો હોય તેમ ઝઘડો શરૂ કર્યો હતો અને પ્રવિણ રામાણી તથા અશોક રામાણી સાથે મળી હુમલો કર્યો હતો.

જેમાં પોતાને લોખંડનો સળીયો કપાળે અને માથામાં લાગી ગયો હતો. તેમજ અંકુરને કાંડામાં ધોકો લાગી ગયો હતો. દક્ષે નેફામાંથી છરી પણ કાઢી હતી અને મારવા દોડતાં પોતાના સાળા વિરાજે ધક્કો મારી બચાવી લીધો હતો. દેકારો થતાં માણસો ભેગા થતાં બધા બાગી ગયા હતાં. એએસઆઇ એસ. વી. ડાંગરે ગુનો નોંધતા હેડકોન્સ. સલિમભાઇ મકરાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)