Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

નવા બસ સ્ટેશનમાંથી આવતાં ઘોંઘાટથી તનિષ્ક એપાર્ટમેન્ટના ૭૭ ફલેટના રહેવાસીઓ ત્રાહીમામ

૨૪ કલાક બસની આવ-જાની સુચના લાઉડ સ્પીકરથી અપાતી હોઇ અવાજના પ્રદુષણથી સોૈ કોઇ હેરાન-પરેશાનઃ એક રહેવાસી ફલેટ છોડીને જતાં રહ્યાં!

રાજકોટઃ ડો. યાજ્ઞિક રોડ એચડીએફસી બેંક સામે તનિષ્ક એપાર્ટમેન્ટ ટાવર એ અને બીના ૭૭ ફલેટના રહેવાસીઓએ મુખ્યમંત્રી અને પોલીસ કમિશ્નરને રજૂઆત કરી એસ. ટી. બસ સ્ટેશન દ્વારા સતત ચોવીસ કલાક લાઉડ સ્પીકરથી થતાં એનાઉન્સમેન્ટને કારણે રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવ્યું છે. તનિષ્ક ફલેટ્સ ઓનર્સ એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે અમારા ફલેટ્સની બરાબર પાછળના ભાગે શાસ્ત્રી મેદાનમાં ચાર-પાંચ વર્ષ માટે એસ.ટી બસ સ્ટેશન શરૂ થયું છે. અહિ ચોવીસેય કલાક બસની આવ-જાના સમય માટે મોટા અવાજે લાઉડ સ્પીકરથી સુચનાઓ અપાય છે. આ ઘોંઘાટ રહેવાસીઓ માટે અત્યંત ત્રાસરૂપ બની ગયો છે. ઘોંઘાટ કરીને સુચનાઓને આપવાને બદલે મુસાફરોની સરળતા માટે પુછપરછની બારીઓ વધારી શકાય. બસના ટાઇમીંગની વિગતો પ્લેટફોર્મ પર મુકી શકાય. એસ. ટી. કર્મચારીઓને તેની ઓળખ થઇ શકે તેવી રીતે સજ્જ કરી પ્લેટફોર્મ પર (મને પુછો સંજ્ઞા સાથે) હરતા-ફરતા રખાય તો ઘોંઘાટ કરવો પડે નહિ અને મુસાફરોને પણ અગવડતા ન પડે.  હંગામી ધોરણે બસ સ્ટેશન ચાલુ થયું ત્યારે જ અમારા તરફથી આનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ અમારી રજૂઆત ધ્યાને લેવામાં આવી નહોતી. અવાજના પ્રદુષણને લીધે ૭૭ ફલેટના તમામ રહેવાસીઓ ત્રાસી ગયા છે. ૮૦૨ નંબરના ફલેટ ધારક નરેશભાઇ તો કંટાળીને અન્યત્ર રહેવા જતાં રહ્યા છે!

એસટી બસો, પ્રાઇવેટ બસો, સીટી બસો તેમજ માલવાહક વાહનોમાં મોટર વ્હીકલ એકટ રૂલ્સ ધ નોઇસ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કન્ટ્રોલ એન્વાયરમેન્ટ રૂલ્સ ૧૯૮૬ માં વાહનના હોર્ન કે અન્ય ડિવાઇસનો અવાજ નિયત ડેસીબલથી વધારે ન હોવા જોઇએ તેવી જોગવાઇ છે. પરંતુ આ જોગવાઇનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. અમારા ફલેટ નજીક સનસાઇન સ્કૂલ પણ આવેલી છે. એસ. ટી. સ્ટેન્ડમાં અંદર જવાના દરવાજા સામે જ રાજકુમાર કોલેજ આવેલી છે. સતત દેકારાને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે.

ફલેટ ઓનર્સ એસોસિએશને અવાજના પ્રદુષણને લગતાં જુદા-જુદા જજમેન્ટની નકલો સાથે રજૂઆત કરી છે. અંતમાં જણાવ્યું છે કે આ રજૂઆતનો હેતુ કોઇ અધિકારી કે ડિપાર્ટમેન્ટની વિરૂધ્ધ ફરિયાદ માટેનો નથી. પરંતુ જાહેર જનતાના હિતમાં નમ્રપણે સુચન કરાયું છે. સુચારૂ વ્યવસ્થાના ભાગ રૂપે આ રજૂઆત થઇ છે.

(4:25 pm IST)