Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

શ્રીરામ પાર્ક-દેવકીનંદન સોસાયટીમાં માથાભારે મહિલાનો ભારે ત્રાસઃ રહેવાસીઓની રજૂઆત

મહિલા ચોરી કરવાની ટેવ ધરાવે છેઃ આખા લત્તાને સળગાવી નાંખવાની ધમકી આપે છેઃ સીસીટીવી ફૂટેજ સાથે રજૂઆત

રાજકોટઃ આજી ડેમ ચોકડી નજીક આવેલા શ્રીરામ પાર્ક-૩ તથા દેવકીનંદન સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતને રજૂઆત કરી પોતાના વિસ્તારમાં ગુંડા અસામાજીક તત્વોની રંજાડ વધી ગઇ હોઇ આવા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવા અને બહેન-દિકરીઓ-ગૃહિણીઓને ત્રાસમાંથી મુકત કરાવવા માંગણી કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે અમે આ વિસ્તારમાં બધા હળીમળીને રહીએ છીએ. દોઢ વર્ષ પહેલા આ વિસ્તારમાં રહેવા આવેલા એક પરિવારના બહેન સતત ઝઘડા કરતાં રહે છે. ચોરી કરવાની ટેવ ધરાવતાં હોઇ ગમે તેની સાથે માથાકુટ કરી ગાળાગાળી કરે છે. કોઇ કંઇ બોલે તો આખા લત્તાને સળગાવી નાંખવાની ધમકી આપે છે. ત્રણ વખત આજીડેમ પોલીસ મથકમાં રજૂઆત કરી છે. પરંતુ આ મહિલાને કોઇનો ભય ન હોય તે સતત ઝઘડા કરે છે અને પોલીસ પોતાનું કંઇ બગાડી નહિ શકે તેવી હોશીયારી બતાવે છે. રાત્રીના ત્રણેક વાગ્યા પછી આ મહિલા શેરીમાં આટાફેરા કરી લોકોનો સામાન ચોરી જાય છે. આ બાબતનું સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. આ મહિલાના પતિ પણ સમગ્ર રહેવાસીઓ સાથે ઝઘડા કરતાં રહે છે. બંનેને પોલીસ કાયદાનું ભાન કરાવી લત્તામાં શાંતિ સ્થપાય તેવી કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. તેમ રજૂઆતમાં જણાવાયું છે.

(4:24 pm IST)