Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

રામનાથ મહાદેવના દર્શન કરી રાજકોટના ૪૮માં કલેકટર તરીકે ચાર્જ સંભાળતા રાહુલ ગુપ્તા : સ્ટાફ સાથે મીટીંગ

સરકીટ હાઉસ ખાતે આવકારતા એડી. કલેકટર હર્ષદ વોરા અને સીટી પ્રાંત-૧ પટેલ તથા સીટી પ્રાંત-ર પ્રજ્ઞેશ જાની : લોકોના કામો-પીવાના પાણી-જમીન-મહેસુલ-બીનખેતીના ચૂકાદા સહિતની બાબતો બપોર પછી ચકાસશે :ભૂતપૂર્વ કલેકટર ડો. વિક્રાંત પાંડે પણ રાજકોટમાં: રાત્રે અમદાવાદ જશે : સ્ટાફ-પ્રજા-પ્રેસ મીડિયાનો ભરપૂર પ્રેમ મળ્યાનો વિક્રાંત પાંડેનો નિર્દેશ

રાજકોટના ૪૮મા કલેકટરશ્રી રાહુલ ગુપ્તા :  રાજકોટના ૪૮માં કલેકટર તરીકે આજે જૂનાગઢથી રાજકોટ આવ્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. તસ્વીરમાં પોતાની કારમાંથી સરકીટ હાઉસ આવી પહોંચ પહોંચ્યા ત્યારે કલેકટર શ્રી રાહુલ ગુપ્તા નજરે પડે છે. બીજી તસ્વીરમાં કલેકટર રાહુલ ગુપ્તાને આવકારતા, રાજકોટના ભૂતપૂર્વ કલેકટર ડો. વિક્રાંત પાંડે, અન્ય તસ્વીરોમાં કલેકટરનું સ્વાગત કરતા એડી. કલેકટર શ્રી હર્ષદ વોરા અને ડે. કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાની તથા નીચેની તસ્વીરમાં રામનાથ મહાદેવની ભાવસભર પૂજા-અર્ચન કર્યા બાદ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ ચાર્જ સંભાળ્યો તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. પ : રાજકોટ કલેકટર તરીકે જૂનાગઢથી મૂકાયેલા અને ભગવાન મહાકાલ એટલે કે મહાદેવના પરમ ભકત શ્રી રાહુલ ગુપ્તાએ આજે રાજકોટના જગવિખ્યાત અને સ્વયંભૂ બીરાજતા રામનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કર્યા બાદ બપોરે ૧રઃ૩૯ કલાકે ચાર્જ સંભાળ્યો હતો.

રાજકોટના ૪૮મા કલેકટર તરીકે તેમણે ભૂતપૂર્વ કલેકટર અને વર્તમાન અમદાવાદ કલેકટર ડો. વિક્રાંત પાંડે પાસેથી ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને મળ્યા હતાં.

રામનાથ મહાદેવના દર્શન કર્યા ત્યારે સીટી પ્રાંત-ર અને ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની સતત તેમની સાથે રહ્યા હતાં. બાદમાં સરકીટ હાઉસ ખાતે એડી. કલેકટરશ્રી હર્ષદ વોરા, ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની તથા અન્ય અધિકારીઓએ અવકાર્યા હતા, તો કલેકટર કચેરી ખાતે રાજકોટના ભૂતપૂર્વ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આવકાર્યા હતા, બાદમાં શ્રી રાહુલ ગુપ્તા પાસે એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાએ સીટીસી ફોર્મ ભરાવ્યું હતું.

૪૮માં કલેકટર તરીકે આજે સંભાળ્યા બાદ તેમણે તાબડતોબ સ્ટાફ સાથે મીટીંગ યોજી હતી. આ પછી બપોર પછી લોકોના કામો, પીવાના પાણીની સમસ્યા, જમીન-મહેસુલ-બીનખેતીના ચૂકાદા સહિતની બાબતો ચકાસશે.

કલેકટર પત્રકારોને ઉમેર્યું હતું કે કોઇપણ પ્રશ્ન હોય મળી શકો છો, તમામ ન્યૂઝ મળશે. આ માટે એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાને નોડલ તરીકે જવાબદારી સોંપું છું.

ભૂતપૂર્વ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ 'અકિલા'ને જણાવ્યું હતું કે રાજકોટમાં કામ કરવાની બહુ મજા આવી છે. અહીંના લોકોનો પ્રેસ-મીડિયા, સ્ટાફ-તમામ અધિકારીઓનો ભરપૂર પ્રેમ મળ્યાની લાગણી વ્યકત કરી હતી.

(4:23 pm IST)